Site icon Revoi.in

ઈરાન હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા ઈન્ટરનેટ ડેટા પર ટેક્સ લગાવશે, ભારતની ચિંતા વધી

Social Share

તેહરાન, 11 મે 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન હવે વિશ્વના ડિજિટલ અર્થતંત્ર પર પોતાનો પંજો કસવાની તૈયારી કરી રહ્યું છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા માલવાહક જહાજો બાદ, ઈરાન હવે સમુદ્રના તળિયે બિછાવેલી ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થતા ડેટા પર ટેક્સ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે. જો આ નિર્ણય લેવાશે, તો ભારત સહિત વિશ્વભરમાં ઈન્ટરનેટ સેવાઓ મોંઘી થઈ શકે છે.

ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી ‘તસ્નીમ’ના અહેવાલ મુજબ, હોર્મુઝની ખાડીમાંથી પસાર થતી અંડરવોટર કેબલ્સ દ્વારા દરરોજ 10 ટ્રિલિયન ડોલરથી વધુના નાણાકીય વ્યવહારો થાય છે. વિશ્વનો અંદાજે 95 ટકાથી 97 ટકા ડેટા ટ્રાન્સફર આ સબમરીન કેબલ્સ દ્વારા થાય છે. હોર્મુઝમાંથી 20 થી વધુ મુખ્ય કેબલ્સ પસાર થાય છે, જે વિશ્વના કુલ ઈન્ટરનેટ ટ્રાફિકનો 17 ટકાથી 30 ટકા હિસ્સો ધરાવે છે. ઈરાન આ પૈકીની 7 મુખ્ય કેબલ્સ પર ટેક્સ વસૂલવાની તૈયારીમાં છે.

ભારત માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક છે, કારણ કે ભારતનું ડિજિટલ અર્થતંત્ર મોટાભાગે આ સમુદ્રી માર્ગો પર નિર્ભર છે. યુરોપ સાથેનો ભારતનો લગભગ 60 ટકા ઈન્ટરનેટ ટ્રાફિક મુંબઈ અને લાલ સમુદ્રના માર્ગે જાય છે. આ માર્ગમાં અવરોધ આવતા સ્પીડ ઘટી શકે છે. બેંકિંગ, UPI પેમેન્ટ્સ, ક્લાઉડ સર્વિસ અને ઓનલાઈન બિઝનેસ પર સીધી અસર પડી શકે છે. જો ઈરાન ટેક્સ વસૂલશે, તો રિલાયન્સ જિયો, એરટેલ અને ટાટા કોમ્યુનિકેશન્સ જેવી કંપનીઓનો ખર્ચ વધશે, જેનો બોજ અંતે ગ્રાહકો પર આવશે.

ભારતની પશ્ચિમ દિશાની કનેક્ટિવિટી મુખ્યત્વે આ પાંચ સિસ્ટમ પર ટકી છે. જેમાં એશિયા-આફ્રિકા-યુરોપ 1, દક્ષિણપૂર્વ એશિયા-મધ્ય પૂર્વ- પશ્ચિમ યુરોપ, ભારત-મધ્ય પૂર્વ-પશ્ચિમ યુરોપ અને ફાલ્કન નેટવર્ક અને ટાટા ટીજીએન-ગલ્ફનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય ટેલિકોમ કંપનીઓએ અગાઉ જ સરકારને ઈરાન સાથે વાતચીત કરવા વિનંતી કરી છે. ગયા વર્ષે હુમલાને કારણે ભારતને જોડતી ત્રણ કેબલ્સ તૂટી ગઈ હતી, જેનાથી યુરોપ જતા 25% ડેટા ટ્રાફિકને અસર થઈ હતી. જો વર્તમાન તણાવ વધશે, તો ભારતની હાઈ-સ્પીડ ઈન્ટરનેટ બેન્ડવિડ્થ ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ આપત્તિ વ્યવસ્થાપન માટે અમિત શાહનું મિશન ઝીરો કેઝ્યુઆલ્ટી: પૂર અને હીટવેવનો સામનો કરવા માસ્ટર પ્લાન તૈયાર

Exit mobile version