આપત્તિ વ્યવસ્થાપન માટે અમિત શાહનું મિશન ઝીરો કેઝ્યુઆલ્ટી: પૂર અને હીટવેવનો સામનો કરવા માસ્ટર પ્લાન તૈયાર
નવી દિલ્હી, 11 મે 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દેશમાં સંભવિત પૂર અને હીટવેવની સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “ઝીરો કેઝ્યુઆલ્ટી” (શૂન્ય જાનહાનિ) ના વિઝનને સાકાર કરવા પર ભાર મૂકતા અમિત શાહે અધિકારીઓને પાયાના સ્તર સુધીની તૈયારીઓ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો.
ગૃહમંત્રીએ બેઠકમાં મહત્વનો નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, દેશના દરેક રાજ્યમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ‘ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ’ની રચના કરવામાં આવે. આ ટીમો સક્રિય રીતે કાર્ય કરે તે જોવાની જવાબદારી પણ તેમણે સોંપી હતી. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને સિક્કિમ જેવા ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તારોમાં તળાવોના પાણીથી સર્જાતા પૂર માટે ‘અર્લી વોર્નિંગ સિસ્ટમ’ (વહેલી ચેતવણી પ્રણાલી) વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અમિત શાહે અધિકારીઓને જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે “Whole of Government” અને “Whole of Society” અભિગમ સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું. નદીઓ પર ચેકડેમ બનાવી ભૂગર્ભ જળ સ્તર સુધારવા અને હીટવેવની અસર ઘટાડવા સૂચના આપી હતી. તેમજ NDMA ને નિર્દેશ આપ્યો કે તે તપાસ કરે કે રાજ્યો દાવાનળ, પૂર અને હીટવેવ માટેની કેન્દ્રીય માર્ગદર્શિકાઓનું કેટલું ચુસ્ત પાલન કરી રહ્યા છે. નવી એપ્સ બનાવવાને બદલે હાલના પ્લેટફોર્મને વધુ સક્ષમ બનાવી આગાહીઓનો વ્યાપક પ્રસાર કરવા પર ભાર મૂક્યો.
ગૃહમંત્રીએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન થતી જાનહાનિ અને કૃષિ ક્ષેત્રને થતા નુકસાનનો ગહન અભ્યાસ કરી હવામાનની આગાહી પ્રણાલીને વધુ સચોટ બનાવવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિવિધ વિભાગો વચ્ચેના સંકલનથી હવે હવામાન સંબંધિત યોજનાઓ અને સાવચેતીના પગલાં પાયાના સ્તર સુધી પહોંચશે. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય ગૃહ સચિવ, NDMA, NDRF, ભારત હવામાન વિભાગ અને કેન્દ્રીય જળ આયોગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પૂરની આગાહી માટે એકીકૃત પ્રણાલી વિકસાવવા પર પણ સહમતી સધાઈ હતી.


