Homeગુજરાતીગુજરાતજુનાગઢમાં કેમિકલયુક્ત નકલી દૂધ પકડાયુ, પામોલિન તેલ અને મિલ્ક પાવડરનો જથ્થો જપ્ત

જુનાગઢમાં કેમિકલયુક્ત નકલી દૂધ પકડાયુ, પામોલિન તેલ અને મિલ્ક પાવડરનો જથ્થો જપ્ત

જુનાગઢ, 18 ઓગસ્ટ, 2026 : Adulterated milk seized ગુજરાતમાં રોજબરોજ નકલી ખાદ્ય પદાર્થો અને ભેળસેળના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તમામ ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. ઘી, માવો, મરી-મસાલા અને પનીર બાદ હવે લોકોના રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા દૂધમાં પણ ભેળસેળ કરી કાળી કમાણી કરવાનો ખેલ શરૂ થયો છે. વ્યાપારી નફાખોરી માટે લોકોના આરોગ્ય અને માનવ સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે જુનાગઢ તાલુકાના ખડીયા ગામેથી કેમિકલયુક્ત અને માનવ સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક એવા નકલી દૂધ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.

જુનાગઢ તાલુકા પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડીને 60 લિટર શંકાસ્પદ નકલી દૂધ, પામોલીન તેલના ડબ્બા અને મિલ્ક પાવડરનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, આ ગંભીર બાબતે દરોડા બાદ ઝડપાયેલા આરોપીને સ્થળ પર જ છોડી દેવાતા અને પોલીસ દ્વારા માત્ર તપાસનું રટણ કરાતા સ્થાનિકોમાં તંત્રની શંકાસ્પદ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ભેળસેળિયા તત્વો સામે કડક પગલાં લેવાની માગ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, જુનાગઢના  ખડીયા ગામના હનુમાનપરા વિસ્તારમાં આવેલા જયદીપ હરસુખભાઈ ભેડા નામના શખ્સના રહેણાંક મકાનમાં નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી. પોલીસે મકાનમાં દરોડો પાડતા સ્થળ પરથી પામોલીન તેલ અને મિલ્ક પાવડરનું ભેળસેળ કરીને બનાવવામાં આવતું આશરે 60 લિટર શંકાસ્પદ કેમિકલયુક્ત દૂધ મળી આવ્યું હતું. આ ઉપરાંત દૂધ બનાવવામાં વપરાતા પામોલીન તેલના ત્રણ ડબ્બા તેમજ મિલ્ક પાવડરનો મોટો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરી હતી, જેથી ફૂડ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી નકલી દૂધ, તેલ અને પાવડરના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.

ફૂડ વિભાગના અધિકારીઓ જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પૂરતું મળી આવેલું શંકાસ્પદ દૂધ નષ્ટ કરવામાં આવ્યું છે અને બાકીની સામગ્રી સીલ કરવામાં આવી છે. જોકે, આ સમગ્ર કામગીરી વચ્ચે કેટલાક ચોંકાવનારા પ્રશ્નો પણ સામે આવ્યા છે. પોલીસ દરોડા દરમિયાન નકલી દૂધ બનાવતો આરોપી સ્થળ પર હોવા છતાં તેને મુક્ત કરી દેવામાં આવ્યો હોવાની માહિતી બહાર આવી છે.

 

સંબંધિત લેખો

Most Popular