ભૂજ, 17 ઓગસ્ટ, 2026 : Traffic jam on the highway near Surajbari Bridge in Kutch after a tanker overturned ‘કચ્છના પ્રવેશદ્વાર’ ગણાતા સૂરજબારી બ્રિજ નજીક નેશનલ હાઈવે પર એક ટેન્કર પલટી જતા કચ્છ કરફ જતો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. અને હાઈવે પરથી પલટી ગયેલું ટેન્કર હટાવ્યા વિના ટ્રાફિક ક્લીયર થઈ શકે તેમ નહતો. એટલે 15 કિમી સુધી 12 કલાક ટ્રાફિક જામ રહ્યો હતો. તેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કચ્છમાં સૂરજબારી નજીક હાઈવે પર એક ટેન્કર પલટી જતા હાઈવે બ્લોક થઈ ગયો હતો. સાંજે 6 વાગ્યાના અરસામાં મોરબીથી કચ્છ તરફ આવતું એક ભારે ટેન્કર બ્રિજના મધ્ય ભાગમાં અચાનક પલટી ખાઈ ગયું હતું. ટેન્કર બ્રિજ વચ્ચે જ આડુ પડતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે સૂરજબારી બ્રિજની બંને તરફ 15 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. કચ્છમાં પ્રવેશતા અને બહાર જતા સેંકડો ટ્રક, કન્ટેનર, એસ.ટી. બસો, ખાનગી લક્ઝરી બસો અને કાર રસ્તા પર જ ફસાઈ ગયા હતા. અને સવાર સુધી હજારો મુસાફરો અને ડ્રાઈવરોને રસ્તા પર જ રાત વિતાવવાની ફરજ પડી હતી. પાણી, ખાવા-પીવાની વસ્તુઓ અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે આખી રાત ફસાયેલા મહિલાઓ, બાળકો, દર્દીઓ અને વૃદ્ધોની હાલત કફોડી બની હતી.
આ ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટી, ફાયર બ્રિગેડ, ક્રેન અને જેસીબીની ટીમો પહોંચી હતી. પરંતુ બ્રિજની પહોળાઈ, ટ્રાફિકના કારણે રેસ્ક્યુ કામગીરીમાં વિલંબ થયો હતો. 12 કલાકની જહેમત બાદ રવિવારે સવારે 6 વાગ્યે ટેન્કરને સાઈડ પર ખસેડીને એક તરફનો માર્ગ ખુલ્લો કરાયો હતો. કચ્છની લાઈફલાઈન સમાન બ્રિજ બંધ રહેતા લાખોનો માલ (મીઠું, ખનીજ, ખેતપેદાશો) રસ્તામાં જ અટકી પડતા ટ્રાન્સપોર્ટર્સ અને વેપારી વર્ગમાં પણ રોષ જોવા મળ્યો હતો.

