અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026 : Devotees flocked to Shiva temples on the first Monday of Shravan ગુજરાતમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદ સહિત તમામ શહેરો અને ગામેગામના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથના દર્શન અને આશીર્વાદ મેળવવા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી શહેરના તમામ શિવાલયો ગુંજી ઊઠ્યા હતા.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર ગુજરાતમાં આસ્થા, ભક્તિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ રચાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને રાજ્યના ખૂણે-ખૂણે આવેલા પૌરાણિક શિવાલયો ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી ગુંજી ઊઠ્યા છે. ભક્તોએ વહેલી સવારથી જ જળાભિષેક, દુગ્ધાભિષેક, બીલીપત્ર અને ભસ્મ આરતી દ્વારા શિવજીની આરાધના કરી ધન્યતા અનુભવી છે.
સોમનાથમાં વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બપોરે 12 વાગ્યા સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા, જ્યારે 60 ધ્વજાપૂજા, પાઘપૂજા અને સોમેશ્વર પૂજા યોજાઈ હતી. ભવ્ય પાલખીયાત્રા, પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક વિશેષ ટ્રેન અને ઝીગઝેગ લાઇન દ્વારા શાંતિપૂર્ણ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર સોમનાથમાં 2 DYSP, 16 PI, 25 PSI સહિત 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ, SRP, QRT, ડ્રોન કેમેરા અને માઉન્ટેડ પોલીસ તહેનાત કરાઇ હતી. ભક્તો માટે શિરો, ફરાળી ચેવડો, સૂકી ભાજી અને થાબડી જેવા નિઃશુલ્ક ફરાળ/પ્રસાદના ભંડારા યોજાયા હતા, જેમાં મંત્રી પરસોતમ સોલંકી, હીરા સોલંકી, સાંસદ માનસિંગ પરમાર જોડાયા હતા.
સંસ્કારી નગરી વડોદરામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ શહેરના સુપ્રસિદ્ધ શિવ મંદિરો જેવા કે મોટનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ, સિદ્ધનાથ અને રણમુક્તેશ્વર મહાદેવ ખાતે ‘હર હર મહાદેવ’ અને ‘ઓમ નમઃ શિવાય’ના નાદ સાથે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
અમદાવાદના પૌરાણિક વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના તમામ શિવ મંદિરોને આકર્ષક રોશની અને પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. શિવાલયોમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા, મહાઆરતી અને અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિરોમાં દર્શનાર્થે પહોંચેલા ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કર્યો હતો. શ્રદ્ધાળુઓએ બિલિપત્ર, ધતુરો અને પુષ્પો અર્પણ કરી ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો વ્રત-ઉપવાસ અને આરાધના કરશે, જેને લઈ આગામી દિવસોમાં પણ મંદિરોમાં ધાર્મિક આયોજનો હાથ ધરાયા છે.
રાજકોટનાં 150 વર્ષ જુના ઐતિહાસિક પંચનાથ મંદિરે પણ શિવ ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી અને મંદિર પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

