અમરેલી, 3 ઓક્ટોબર, 2026 : A violent lioness was rescued by knocking her unconscious. જિલ્લામાં વડિયા તાલુકાના અરજણસુખ ગામ નજીક સીમ વિસ્તારમાં વિફરેલી સિંહણે 5 લોકો પર હુમલો કર્યો હતો. દરમિયાન સિંહણે એક વન ગાર્ડ પર પણ હુમલો કર્યો હતો. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. અને વિફરેલી સિંહણને ટ્રાન્ક્યુલાઈઝથી બેભાન કરી રેસ્ક્યુ કરીને પાંજરે પુરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા સિંહણને રાત્રે 1 વાગ્યાની આસપાસ રેસ્ક્યૂ કરવા માટે ઓપરેશન શરૂ કરાયું હતું. અને 12 કલાકની જહેમત બાદ સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળી હતી.
આ બનાવની વિગત એવી છે કે, અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામ આસપાસ સિંહણે એક પછી એક 5 લોકો પર હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા. બાઇક પર પરત ફરી રહેલા બે યુવકો પર સિંહણે અચાનક હુમલો કર્યા બાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં વધુ બે વ્યક્તિ પર હુમલો કર્યો. સાથે જ રેસ્ક્યૂ ઓપરેશન કરનારા વનવિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કરતા દોડધામ મચી હતી. 108 મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. અને વિફરેલી સિંહણને ટ્રાન્ક્યુલાઈઝથી બેભાન કરી રેસ્ક્યુ કરીને પાંજરે પુરવામાં આવી હતી. હાલ સિંહણની વર્તણૂકને જોતા હડકવા હોવાની વનવિભાગને આશંકા છે. આ મામલે એનિમલ ડૉક્ટર તપાસ કરશે.
શેત્રુંજી ડિવિઝનના ACF રાજન જાદવે જણાવ્યું કે ગત રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ બે મોટરસાયકલ સવાર પર સિંહણે હુમલો કર્યો હતો, જેમાં એમને સામાન્ય ઈજા થઈ હતી. ત્યારથી વન વિભાગની 6થી 7 ટીમો વિસ્તારમાં સ્કેનિંગ કરતી હતી. આ દરમિયાન આજે સવારે પણ સમાચાર આવ્યા કે બીજા બે લોકોને અને એક અમારા સ્ટાફને પણ સામાન્ય ઈજા કરી છે અને એ બાબતે તમામ વિસ્તારમાં ફરી સિંહણનું લોકેશન મેળવી એને પકડવામાં અમે સફળ થયા છીએ. હવે વાડી-ખેતરમાં કામ કરતા લોકોને ગભરાવવાની જરૂર નથી. સિંહણને ક્રાંકચ એનિમલ કેર સેન્ટરે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


