ગાંધીનગર, 3 ઓક્ટોબર, 2026 : 6.18 lakhs withdrawn from bank after opening APK link on WhatsApp રાજ્યમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં મોબાઈલ ફોનના વોટ્સએપ પર સાયબર માફિયા દ્વારા લગ્નની ફેક કંકોતરી, ફેક વીજળી બિલ કે ટ્રાફિક ભંગના ચલણના નામે APK ફાઈલ મોકલવામાં આવે છે. મોબાઈલધારકો વોટ્સએપ પર મળેલી લિંન્ક ખોલતા જ મોબાઈલ ફોન હેન્ગ થઈ જાય છે. અને મોબાઈલના એક્સેસ સાયબર માફિયાના હાથમાં જતા રહે છે. અને ગણતરીની મીનીટોમાં જ બેન્ક ખાતામાં રૂપિયા ઉપાડી જતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ કડીના છત્રાલના વેપારી સાથે બન્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, કલોલના છત્રાલ ગામે લોટના હોલસેલ વેપારીને વોટ્સએપમાં અજાણ્યા નંબરથી ‘Invitation Card’ અને ‘GB Instagram APK File મોકલી સાયબર ઠગોએ ફોન હેક કરી લીધો હતો. જે બાદ બેંક ખાતામાંથી રૂા. 6.18 લાખથી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી સેરવી લેવામાં આવી છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કલોલના બોરીસણા રોડ પર આવેલા બલારામ પાર્કમાં રહેતા અને છત્રાલ ખાતે ગરબી ચોક પાસે રામજી મંદિરની બાજુમાં લોટનો હોલસેલ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા સંજયકુમાર નટવર પટેલ ગત 27 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ઘરે હાજર હતા, તે દરમિયાન તેમના મોબાઈલ નંબર ઉપર બેંકમાંથી નાણા ડેબિટ થવા અંગેના મેસેજો આવ્યા હતા. વેપારીએ કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે વ્યવહાર કર્યો ન હોવા છતાં ખાતામાંથી બેંક બેલેન્સ ઘટવા લાગતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. વેપારીના એચડીએફસી બેંકના ખાતામાંથી કુલ રૂા. 2,76,975 ઉપડી ગયા હોવાનું ધ્યાને આવતા વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 ઉપર ફોન કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. તેમ છતાં મામલો અહીં જ અટક્યો ન હતો. તારીખ 28 સપ્ટેમ્બરના રોજ ફરીથી વધુ રૂા. 3.50 લાખ ખાતામાંથી ઉપડી ગયા હતા. જેથી તેમણે ફરી સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરી નોંધણી કરાવતા કુલ રૂા. 6,18,975 ની રકમનો ફ્રોડ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મામલાની પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે વેપારીના મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ એપ્લિકેશન મારફતે કોઈ અજાણ્યા નંબરથી ‘Invitation Card’ અને ‘GB Instagram APK File’ મોકલવામાં આવી હતી. આ શંકાસ્પદ APK ફાઇલ વેપારીએ ઓપન કરતા મોબાઈલમાં ડાઉનલોડ થયા પછી ફોન હેક થઈ ગયો હતો અને ઠગોએ બેંક ખાતા પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


