સુરત, 3 ઓક્ટોબર, 2026 : Samaras Girls Hostel students protest over insects in food રાજ્યમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં હલકી ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફરિયાદો ઊઠી રહી છે. તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત યુનિની કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં કોકરોચ અને જીવાંત નિકળતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે આવો જ બનાવ સુરતમાં સમરસ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ સાથે બન્યો છે. ભોજનમાં જીવાંત નિકળતા એબીવીપીના સર્મથન સાથે વિદ્યાર્થિનીઓએ ઘરણાં કર્યા હતા.
સુરત શહેરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ, પીવાના પાણીની ગંભીર અછત, ભોજનની હલકી ગુણવત્તા અને વોર્ડનના અણઘડ વલણ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સમર્થન સાથે વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પરિસરમાં રાતભર ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યા હતા. વિદ્યાર્થિનીઓએ સમરસ હોસ્ટેલના મેનેજમેન્ટ સામે પગલાં ભરવાની માગ કરી છે.
સમરસ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં 24 કલાક પાણી આપવાને બદલે માત્ર અડધોથી એક કલાક જ પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત, મેસના ભોજનમાં વારંવાર જીવાત નીકળતી હોવાથી આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. હોસ્ટેલ વોર્ડન દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને વિદ્યાર્થીનિઓએ વોર્ડનના તાત્કાલિક રાજીનામાની માગ કરી છે. વિદ્યાર્થિનીઓની લડતને એબીવીપીએ ટેકો આપ્યો છે. એબીવીપીના NEC મેમ્બર મેઘા વાઘેલાએ જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓ છેલ્લા 15 કલાકથી વધુ સમયથી ધરણા પર બેઠી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. વિદ્યાર્થિનીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી જિલ્લા કલેક્ટર પોતે સ્થળ પર આવીને સમસ્યાઓ સાંભળી લેખિત ખાતરી નહીં આપે ત્યાં સુધી આંદોલન અવિરત ચાલુ રહેશે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવાશે.


