Homeગુજરાતીગુજરાતસાગબારામાં વન અધિકાર સત્યાગૃહ આંદોલન, શંકરસિંહે સરકાર બદલી નાંખવા કરી હાકલ

સાગબારામાં વન અધિકાર સત્યાગૃહ આંદોલન, શંકરસિંહે સરકાર બદલી નાંખવા કરી હાકલ

રાજપીપળા, 3 ઓક્ટોબર, 2026 : Forest rights Satyagraha movement in Sagbara નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીન મુદ્દે આદિવાસીઓએ વન અધિકાર સત્યાગૃહ લડતનો પ્રારંભ કર્યો છે. સાગબારાના ખોપી ગામે 2 જી ઑક્ટોબરે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ જોડાયા હતા. શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના નેતાઓએ ભાજપની સરકાર સામે પ્રહારો કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ ભાજપની સરકાર બદલી નાંખવાની હાકલ કરતા જણાવ્યું હતું કે, 25 વર્ષથી ખેડાઈ રહેલી આદિવાસીઓની જમીન પર વન વિભાગ કબજો જમાવી રહ્યું છે. જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે અને સરકાર તથા વન વિભાગ માત્ર વ્યવસ્થાનો ભાગ છે.

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીન વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં જમીનના ખેડાણ લઈને ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો જૂનો વિવાદ ફરી એકવાર વકર્યો છે, સાગબારાના ખોપી ગામે 2જી ઑક્ટોબરને શુક્રવારના રોજ જાહેર સભા યોજાઈ હતી. આદિવાસીઓની સભામાં શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી, અનંત પટેલ, મહેશ વસાવા સહિતના આગોવાનોએ ઉપસ્થિતિ રહીને ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓને સંબોધતાં જણાવ્યું કે, જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે અને સરકાર તથા વન વિભાગ માત્ર વ્યવસ્થાનો ભાગ છે. તેમણે આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલવાની વાત કરી હતી.

જાહેર સભામાં આદિવાસી ખેડૂત આગેવાનોએ આગામી દિવસોમાં બળદગાડાં સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે આંદોલન કરવાની જાહેરાત કરી હતી. સાથે જ અત્યાર સુધી ચાલેલા સત્યાગ્રહ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતાં હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જંગલ જમીનના અધિકારનો મુદ્દો ફરી ગરમાતાં સાગબારા પંથકમાં આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ પકડે તેવા સંકેતો મળી રહ્યા છે. સરકાર ઉદ્યોગપતિઓને નજીવા ભાવે હજારો એકર જમીન આપી રહી છે. જ્યારે સાગબારાના ખેડૂતોને વર્ષોથી ખેતી કરતાં હોવા છતાં જમીનના અધિકારો આપવા માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે, “અમે તીર-કમઠાં બુઠ્ઠાં નથી લીધાં.” તેમણે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપતાં કહ્યું કે, હવે ખેડૂતો જેલભરો આંદોલન માટે પણ તૈયાર છે. તેમણે ભાજપના નેતાઓની ગેરહાજરી સામે સવાલો ઉઠાવી સરકાર પર નિશાન સાધ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular