Site icon Revoi.in

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી બાપાની સેવા-પૂજા કર્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગણેશજીની મુર્તિના વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યાં હતા. તેમજ રાજ્યભરમાં સુરક્ષાને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનને લઈને શહેરોમાં તંત્ર દ્વારા ખાસ ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજ્યમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવાની સાથે રાજ્યભરમાં ઠેર-ઠેર વિઘ્નહર્તાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તોએ દાદાની પૂજા-અચર્ના બાદ એક દિવસ, 3 દિવસ, પાંચ દિવસ અને સાત દિવસે દુંદાળાદેવની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે સમગ્ર રાજ્યમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં સાબરમતી નદીમાં વિસર્જન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ગણપતિ દાદાની મુર્તિના વિસર્જન માટે કુત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યાં હતા. જેમાં હજારો ભક્તોએ ઠોલ-નગારાની સાથે વિસર્જન કર્યું હતું.

સુરત શહેરમાં 20થી વધુ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેમાં પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં ગણેશ વિસર્જનને લઈ સુરત શહેર પોલીસ દ્વારા તમામ કૃત્રિમ તળાવો, વિસર્જન રૂટ સહિત હજીરા અને ડુમ્મસ દરિયા કિનારાના ઓવારા પર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં મનપા દ્વારા સાત સ્થળે ગણેશજીની મૂર્તિના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ 80થી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો હતો.