Site icon Revoi.in

જિતનરામ માંઝીની રાજકીય આગાહી: નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી શક્યતા, 14 જાન્યુઆરી બાદ કંઈપણ થઈ શકે છે

Social Share

નવી દિલ્હી: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેમણે પોતાના નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે. માંઝીનો દાવો છે કે નીતિશ કુમાર કોઈપણ સમયે પલટી મારી શકે છે. નીતિશ કુમારને ભાજપના આમંત્રણનો ઈન્તજાર છે. ભાજપ જો આજે બોલાવે છે, તો નીતિશ કુમાર જવા માટે તૈયાર થઈ જશે.

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝીએ દાવો કર્યો છે કે 14 જાન્યુઆરી બાદ બિહારની રાજનીતિમાં કંઈપણ થઈ શકે છે. નીતિશ કુમાર કોઈપણ પલટી મારી શકે છે. નીતિશ કુમારને ભાજપના આમંત્રણનો ઈન્તજાર છે. ભાજપ જો આજે બોલાવે છે, તો નીતિશ કુમાર જવા માટે તૈયાર થઈ જશે. લાલુ યાદવ પહેલેથી નીતિશ કુમારને પલટૂરામ કહેતા રહ્યા છે.

જો કે આ પહેલો મોકો નથી, જ્યારે જિતનરામ માંઝીએ આ પ્રકારનો દાવો કર્યો છે. 2 દિવસ પહેલા પણ માંઝીએ આવો જ દાવો કર્યો હતો અને કહ્યુ હતુ કે 14 જાન્યુઆરી બાદ બિહારની રાજનીતિમાં કંઈપણ થઈ શકે છે. આના પર બિહારની રાજનીતિમાં ખૂબ રાજકારણ થયું હતું. ભાજપના પ્રવક્તા રાકેશ સિંહે કહ્યુ હતુ કે જિતનરામ માંઝી વરિષ્ઠ નેતા છે અને ઘણાં જાણકાર પણ છે. તેઓ જાણે છે કે નીતિશ કુમાર ક્યારે ક્યાં જશે, શું કરશે. તે પળપળથી વાકેફ છે, પરંતુ હવે પલટી મારીને જશે ક્યાં? ભાજપે તેમના માટે દરવાજા બંધ કરી દીધા છે.

જેડીયુ પ્રવક્તા અનુપ્રિયાએ કહ્યું છે કે જિતનરામ માંઝીની પાર્ટી જે પ્રકારે બિહાર ભાજપ દ્વારા લોકસભાની બેઠકોની વહેંચણીમાં નજરઅંદાજ કરાય રહી છે. તેનાથી તેઓ પરેશાન છે અને હતાશ પણ છે. ભાજપે તો પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે તે 40માંથી 40 બેઠકો પોતાના દમ પર લડવા જઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠૌરે કહ્યુ છે કે માંઝી કાકાને ભાજપે ઠગી લીધા છે, કારણ કે ભાજપે જિતનરામ માંઝીને કહ્યુ હતુ કે એનડીએમાં આવો રાજ્યપાલ બનાવી દઈશું, રાજ્યસભા મોકલીશું, મંત્રી બનાવીશું, પરંતુ કાકાને ભાજપે ઠગી લીધા. માટે કાકા ઈન્ડિયા ગઠબંધનમાં આવવા માટે જુગાડ શોધી રહ્યા છે.

આરજેડી પ્રવક્તા શક્તિ યાદવે કહ્યુ કે જિતનરામ માંઝી થોડા વ્યાકુળ છે. કેટલીવાર આમતેમ પલટી મારતા રહે છે. ભાજપમાં તેઓ પિસાઈ રહ્યા છે. તેઓ માર્ગ શોધી રહ્યા છે કે કેવી રીતે ઈન્ડિયા ગઠબંધનમાં આવે. માંઝીના નિવેદનને ક્યારેય કોઈએ ગંભીરતાથી લીધા નથી.