હેમંત પરમાર દ્વારા
૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવે છે. આજે યોગ માત્ર ભારતની પરંપરા કે આધ્યાત્મિક સાધના પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ વિશ્વના કરોડો લોકોના જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. શરીર, મન અને આત્માના સંતુલન માટે યોગને સર્વોત્તમ માર્ગ માનવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આખરે વિશ્વ યોગ દિવસ માટે ૨૧ જૂન જ કેમ પસંદ કરવામાં આવ્યો અને તેની શરૂઆત ક્યારે થઈ?
વિશ્વ યોગ દિવસ માટે ૨૧ જૂનની તારીખ પસંદ કરવા પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને કારણો છે. ૨૧ જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ એટલે કે ઉત્તરાયણનો મહત્ત્વપૂર્ણ સમય ગણાય છે. ભારતીય યોગ પરંપરા અનુસાર આ દિવસ પછી પ્રકૃતિમાં વિશેષ ઊર્જાનો પ્રવાહ શરૂ થાય છે. માન્યતા છે કે આ જ સમયગાળા દરમિયાન ભગવાન શિવે સપ્તઋષિઓને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. તેથી આ દિવસ યોગ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.
ક્યારે થઈ શરૂઆત?
વિશ્વ યોગ દિવસની શરૂઆત વર્ષ ૨૦૧૫થી કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૪માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વ યોગ દિવસની દરખાસ્ત રજૂ કરી હતી. આ પ્રસ્તાવને ૧૭૭ દેશોએ સમર્થન આપ્યું હતું, જે સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી વધુ સમર્થન મેળવનારા પ્રસ્તાવોમાંનો એક હતો. ત્યારબાદ ૨૧ જૂન, ૨૦૧૫ના રોજ પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આ અનોખા સેવાયજ્ઞ વિશે જાણશો તો તમે પણ કહેશો…વાહ!
ભારત યોગની જન્મભૂમિ તરીકે ઓળખાય છે. હજારો વર્ષ પહેલાં ભારતના ઋષિ-મુનિઓએ યોગની સાધના દ્વારા શરીર અને ચેતનાના રહસ્યોને સમજવાનો પ્રયાસ કર્યો હતો. મહર્ષિ પતંજલિને યોગશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. તેમણે “યોગસૂત્ર” નામના ગ્રંથમાં યોગના સિદ્ધાંતોને સુવ્યવસ્થિત રીતે રજૂ કર્યા હતા. ઉપરાંત ભગવદ ગીતા, ઉપનિષદો, હઠયોગ પ્રદીપિકા, ઘેરંડ સંહિતા અને શિવ સંહિતા જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ યોગનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. આ ગ્રંથો આજે પણ વિશ્વભરના યોગ અભ્યાસીઓ માટે માર્ગદર્શક બની રહ્યા છે.
યોગનું મહત્ત્વ માત્ર કસરત પૂરતું નથી
ભારતમાં યોગનું મહત્ત્વ માત્ર કસરત પૂરતું નથી. યોગ જીવન જીવવાની એક સંપૂર્ણ પદ્ધતિ છે. યોગ વ્યક્તિને શારીરિક રીતે મજબૂત બનાવે છે, માનસિક રીતે સ્થિર રાખે છે અને આધ્યાત્મિક રીતે ઉન્નતિ તરફ દોરી જાય છે. આધુનિક જીવનની ભાગદોડ, તણાવ, અનિયમિત ખોરાક અને બેઠાડી જીવનશૈલી વચ્ચે યોગ સ્વાસ્થ્ય માટે એક કુદરતી ઉપચાર તરીકે સાબિત થઈ રહ્યો છે.
નિયમિત યોગ કરવાથી અનેક ફાયદા થાય છે. યોગ શરીરની લવચીકતા વધારે છે, રક્તસંચાર સુધારે છે, પાચનતંત્રને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. યોગ તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓને ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્થૂળતા અને હૃદયરોગ જેવા જીવનશૈલીજન્ય રોગોના જોખમને ઘટાડવામાં યોગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે યોગ માટે કોઈ મોંઘા સાધનો કે વિશેષ વ્યવસ્થાની જરૂર પડતી નથી. માત્ર થોડો સમય અને નિયમિતતા જ પૂરતી છે.
વિશ્વભરમાં કરોડો લોકો યોગને અપનાવી રહ્યા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો યોગથી દૂર ભાગતા જોવા મળે છે. આવા લોકો માટે એક સવાલ છે કે
જો મોબાઇલ, ટીવી, સોશિયલ મીડિયા અને મનોરંજન માટે રોજ કલાકો કાઢી શકાય છે, તો પોતાના શરીર અને સ્વાસ્થ્ય માટે માત્ર ૨૦ થી ૩૦ મિનિટ કેમ નથી કાઢી શકતા?
યોગ કોઈ ધર્મ નથી, કોઈ ફેશન નથી અને કોઈ એક દિવસની ઉજવણી પણ નથી. યોગ એ સ્વસ્થ, સંતુલિત અને સફળ જીવન જીવવાની કળા છે. વિશ્વ યોગ દિવસ માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં, પરંતુ પોતાના જીવનમાં સ્વાસ્થ્ય અને સકારાત્મકતા લાવવાનો સંકલ્પ લેવાનો અવસર છે. ભારતે વિશ્વને આપેલી આ અમૂલ્ય ભેટનો લાભ દરેક વ્યક્તિએ લેવો જોઈએ, કારણ કે સ્વસ્થ શરીર અને શાંત મનથી મોટી કોઈ સંપત્તિ નથી.

