Site icon Revoi.in

કેજરીવાલના મંત્રી કૈલાશ ગહલોત 5 કલાક બાદ ઈડી ઓફિસથી નીકળ્યા, શરાબ ગોટાળામાં થઈ પૂછપરછ

Social Share

નવી દિલ્હી: દિલ્હી રાજ્યની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીની દારૂ ગોટાળાને લઈને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. શનિવારે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતને પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. એજન્સીએ તેમને શનિવારે રજૂ થવાના નિર્દેશ આપ્યા હતા. ઈડીના સમન બાદ કૈલાશ ગહલોત ઈડી ઓફિસ પહોંચ્યા હતા.  ત્યાં તેમની પાંચ કલાક જેટલી લાંબી પૂછપરછ થઈ અને બાદમાં તેઓ ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા.

આ મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહીત આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને તપાસ એજન્સી પહેલા જ એરેસ્ટ કરી ચુકી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે કૈલાશ ગહલોત આ ગ્રુપનો હિસ્સો હતા, જેણે આ દારૂ નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ મુસદ્દો સાઉથના ગ્રુપને લીક કરવામાં આવ્યો હતો.

સાથે જ કૈલાશ ગહલોત પર સાઉથના દારૂ કારોબારી વિજય નાયરને પોતાનો સરકારી બંગલો આપવાનો પણ આરોપ છે. ઈડીએ પહેલા પણ કહ્યુ હતુ કે આ દરમિયાન કૈલાશ ગહલોતે પોતાના મોબાઈલ નંબર પણ ઘણીવાર બદલ્યા હતા.

મહત્વપૂર્ણ છેકે દિલ્હી સરકારમાં કૈલાશ ગહલોત પરિવહન મંત્રી છે. તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિકટવર્તી માનવામાં આવે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ઈડીએ દિલ્હી આબકારી નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં 21 માર્ચે એરેસ્ટ કર્યા હતા. કેજરીવાલ પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં છે.

શું છે દારૂ ગોટાળો?

17 નવેમ્બર, 2021ના રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે એક્સાઈઝ પોલિસી 2021-22 લાગુ કરી. નવી પોલિસી હેઠળ દારૂ કારોબારથી સરકાર બહાર આવી ગઈ અને તમામ દુકાનો ખાનગી હાથોમાં જતી રહી હતી.

દિલ્હી સરકારનો દાવો હતો કે નવી દારૂ નીતિથી માફિયા રાજ સમાપ્ત થશે અને સરકારની રેવન્યૂમાં વધારો થશે. જો કે આ નીતિ શરૂઆતથી જ વિવાદોમાં હતી અને જ્યારે બાદમાં બબાલ વધી તો 28 જુલાઈ, 2022ના રોજ સરકારે તેને રદ્દ કરી. કથિત દારૂ ગોટાળાનો ખુલાસો 8 જુલાઈ, 2022ના રોજ દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટમાં થયો હતો.

આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહીત આમ આદમી પાર્ટીના ઘણાં મોટો નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. તેના પછી સીબીઆઈએ 17 ઓગસ્ટ, 2022ના રોજ કેસ નોંધ્યો હતો. તેમાં નાણાંની હેરાફેરીનો આરોપ પણ લાગ્યો, માટે મની લોન્ડ્રિંગની તપાસ માટે ઈડીએ પણ કેસ નોંધ્યો.