Site icon Revoi.in

અમદાવાદથી અયોધ્યા સુધી સીધી ફ્લાઈટનો પ્રારંભ, રામભક્તોમાં ખુશી ફેલાઈ

Social Share

અમદાવાદઃ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ અત્યારથી જ રામમય બની ગયો છે. ગુજરાતવાસીઓ પણ અયોધ્યા જવા તલપાપડ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના પોશાક પહેરીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. બીજી તરફ અયોધ્યા જવા યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા 5 વિશેષ આસ્થા ટ્રેનો શરૂ કરવામાં આવી, રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષે જાહેરાત કરતાં કહ્યું કે 5 ટ્રેનોમાંથી 4 ટ્રેનો તો ગુજરાતથી જ ઉપડ્શે.

3 ફેબ્રુઆરીએ પ્રથમ ટ્રેન  ઇન્દૌર-અયોધ્યા-ઇન્દૌર, 09 ફેબ્રુઆરીએ ભાવનગર-અયોધ્યા-ભાવનગર, 10 ફેબ્રુઆરીએ રાજકોટ-અયોધ્યા-રાજકોટ તેમજ અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, સુરત-અયોધ્યા-સુરત ટ્રેન અયોધ્યા જવા માટે રવાના થશે. અમદાવાદ અયોધ્યાની ફ્લાઈટ માટે પહેલા ભાડું 3999 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ હતું. જોકે મુસાફરોનો ધસારો હોવાના કારણે ફ્લાઈટનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલમાં 13799 ભાડું ચૂકવવું પડશે. અમદાવાદ અયોધ્યા ની ફ્લાઈટ હાઉસફુલ જઈ રહી છે. વિદેશથી આવેલા લોકો પણ જ્ય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં હાલ ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન તા. 22મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હાલ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તા. 23મી જાન્યુઆરીથી શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામજીના દર્શન કરી શકશે.