“આ જગતને ચાહીએ છીએ ત્યારે જ આપણે જીવન પામીએ છીએ.”
જીવનભર માનવી ખુશીની શોધમાં મથતો રહે છે. સુખ સગવડના બધાં ભૌતિક સાધનો વસાવાઇ ગયા પછી પણ એ ખુશી ક્ષણિક નીવડે છે. થોડા જ સમયમાં મન એ બધાથી ધરાઇ જાય છે અને ફરી કશુંક નવું શોધવાની ઝંખના ભીતરમાં જાગે છે. કંઇક જોઇએ છે, બધું હોવા છતાં કશું ખૂટે છે એવું અનુભવાયા કરે છે. પણ શું ખૂટે છે એ સ્પષ્ટપણે સમજાતું નથી. સઘળાં ભૌતિક સાધનો પછી યે પેલો આનંદ તો અદીઠ જ રહે છે. મજા આવી ગઇ એમ થોડી વાર મન ભલે મનાવીએ. પણ છતાં જે ખુશીની શોધ હતી એ હજુ દૂરને દૂર જ ભાગતી લાગે છે. માનવી જાણે ઝાંઝવાની પાછળ દોડતો રહે છે.
આનંદ માટે રેસ્ટોરંટમાં, થિયેટરમાં, મોલમાં શોપિંગ માટે, નાના-મોટા કોઇ પ્રવાસમાં, મંદિર, મસ્જિદમાં અનેક જગ્યાએ એ આથડતો રહે છે. પણ પેલો આનંદ તો જાણે અંગૂઠો બતાવીને દૂરને દૂર ભાગતો જ રહે છે. આખરે ક્યાં હોય છે એ આનંદ? ખુશીનો સ્ત્રોત ક્યાં છૂપાયેલો છે?
આ પણ વાંચોઃ જીવન ઝરૂખેથીઃ યાત્રા… આંખ ખોલવા અને મીંચાવા વચ્ચેની
એક ઉદાહરણ યાદ આવે છે.
એક વાર લગભગ પચાસેક લોકોનું એક ગ્રુપ કોઇ સેમિનારમાં ભાગ લઇ રહ્યું હતું. સેમિનાર શરૂ થયાના થોડા સમય બાદ વક્તાએ દરેકને એક એક ફુગ્ગો આપ્યો અને એની ઉપર માર્કર પેનથી પોતાનું નામ લખવાનું કહ્યું. દરેકે સૂચના મુજબ પોતપોતાનાં નામ લખ્યાં.
હવે વક્તાએ એ બધા ફુગ્ગાને એક ઓરડામાં રાખી દીધા. પછી બધાને એ ઓરડામાં એકી સાથે જવાનું સૂચવ્યું અને પોતાના નામ વાળો ફુગ્ગો પાંચ મિનિટમાં શોધીને લાવવાનું કહ્યું. બધા લોકો ઝડપથી રૂમમાં ઘૂસ્યા અને ઘાંઘા બનીને પોતાના નામવાળો ફુગ્ગો શોધવા પડાપડી કરવા લાગ્યા. પણ કોઇને જલ્દી પોતાનો ફુગ્ગો મળતો નહોતો. સમય પૂરો થતા બધાને બહાર બોલાવ્યા.
વક્તાએ પૂછ્યું, અરે, તમે બધા ખાલી હાથે કેમ? કેમ કોઇને પોતાના નામવાળો ફુગ્ગો ન મળ્યો?
બધાએ કહ્યું, ના, અમે ઘણી મહેનત કરી પણ દરેક વખતે અમારા હાથમાં બીજાના નામવાળો ફુગ્ગો જ આવ્યો.
ઠીક છે. તમે બધા ફરીથી એ ઓરડામાં જાવ, આ વખતે પોતાના નામવાળો ફુગ્ગો નથી શોધવાનો પરંતુ જે પણ ફુગ્ગો હાથમાં આવે તેની ઉપર જે વ્યક્તિનું નામ લખેલું હોય એ નામ મોટેથી બોલવાનું. એટલે એ આવીને પોતાના નામવાળો ફુગ્ગો લઇ જશે.
બધા સહભાગી ફરીથી એ ઓરડામાં ગયા. પણ આ વખતે કોઇએ ઝપાઝપી કરી નહીં. બધા શાંત હતા. બધાએ જે ફુગ્ગો હાથમાં આવ્યો તે લીધો અને જેનું નામ લખાયેલું હતું એને સોંપ્યો.
પાંચ મિનિટને બદલે ત્રણ મિનિટમાં જ બધા પોતપોતાનો ફુગ્ગો લઇને બહાર આવી ગયા.
આ પણ વાંચોઃ જીવનઝરુખોઃ કાગા એની કાણ ઘર ઘર મંડાશે
હવે વક્તાએ પોતાની વાત સમજવતા કહ્યું, આપણા સૌના જીવનમાં પણ આવું જ કશુંક થઇ રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાને માટે જ જીવે છે. એને બીજા સાથે કોઇ મતલબ જ નથી. સૌ પોતપોતાની વસ્તુ શોધવા જ પડાપડી કરે છે. કોઇ બીજાને મદદ કરવાનું વિચારતા જ નથી. પોતાની ખુશી જ શોધ્યા કરે છે જે ક્યારેય મળતી નથી. પણ જેવું બીજાને આપવાનું ચાલુ કર્યું એટલે પોતાની ખુશી આપોઆપ હાથમાં આવી ગઇ.
આપણી ખુશી બીજાની ખુશીમાં જ સમાયેલી છે એ આપણે કયારે શીખીશું? જ્યારે બીજાને ખુશી આપીએ છીએ ત્યારે આપણે પોતે કદી એ ખુશીથી વંચિત રહેતા નથી.
બીજાને અત્તર આપનારની હથેળી અત્તરની સુવાસથી વંચિત રહી શકતી નથી, બીજાને ફૂલ આપીએ ત્યારે તેની થોડી સુવાસ આપણા હાથમાં રહેતી જ હોય છે.
ખુશી, આનંદ મેળવવાનો સચોટ, ખાત્રીભર્યો ઉપાય એક જ…મનનાં તાળા ખોલી, બીજાને મદદ કરવાનું શરૂ કરીએ, બીજાને ખુશી આપવાનો નનકડો પ્રયાસ પણ આપણને સાચી ખુશી આપી રહેતો હોય છે. એ ખુશી જીવનને ભર્યું ભર્યું બનાવી શકે છે. કદીક આપણે સૌએ અનુભવ કર્યો જ હોય છે કે જે દિવસે એકાદ સારું કામ થયું હોય તે આખો દિવસ આપણો આનંદમાં જાય છે. અને એનો પડઘો આપણા બીજાં અનેક કાર્યોમાં, વ્યવહારમાં પડતો રહે છે. કેમ કે બીજાને મદદ કરવી, ખુશીની બે ચાર ક્ષણો પણ આપવી એ આપણા અંતરને કેવી યે શાતા આપે છે. એ જ સાચું યજ્ઞકાર્ય છે એ જ ઇશ્વરની સાચી પ્રાર્થના છે. બીજાને મદદરૂપ થવા પાછળ જેને પ્રાર્થના કરવાનો પણ સમય નથી રહેતો એની પ્રાર્થના આપોઆપ ઇશ્વર સુધી પહોંચી જ જાય છે.

