1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. જીવન ઝરૂખેથીઃ યાત્રા… આંખ ખોલવા અને મીંચાવા વચ્ચેની
જીવન ઝરૂખેથીઃ યાત્રા… આંખ ખોલવા અને મીંચાવા વચ્ચેની

જીવન ઝરૂખેથીઃ યાત્રા… આંખ ખોલવા અને મીંચાવા વચ્ચેની

0
Social Share

“આંખ ખોલું તો મોસૂઝણું, ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે, આપણી છે ઠકરાત” – દિલીપ જોશી

જીવન એટલે શું? શો અર્થ છે જિંદગીનો? કોઇપણ સંવેદનશીલ માનવીની ભીતરમાં આવા કોઇ પ્રશ્નો કદીક ઉઠતા રહે છે. જીવનનાં રહસ્યોને ઉકેલવાની મથામણ ભીતરમાં ચાલતી રહે છે. કદીક જીવનભર મથવા છતાં સંતોષકારક જવાબ નથી મળી શકતો. તો કદીક એકાદ આછો ઝબકારો મનને શાંતિ આપી જાય એવું પણ બને. જુદી જુદી રીતે અનેક જુદા જુદા જવાબો મળતા રહે છે. કોઇ એક જવાબને સંપૂર્ણ સાચો કે સંપૂર્ણ ખોટો કહી શકાય એમ નથી હોતું. કેમ કે જીવન અનેક આયામોમાં ઉઘડતું રહે છે.  બહુ આયામી જીવનના વિવિધ રંગો જુદી જુદી અર્થ છાયા સાથે પ્રગટતા રહે છે.

આ પણ વાંચોઃ જીવનઝરુખોઃ કાગા એની કાણ ઘર ઘર મંડાશે

આ અનિશ્વિત, અકળ સંસારમાં કંઇ પણ નિશ્વિત હોય તો તે છે જન્મ અને મરણ..આંખ ખૂલવાની સાથે જીવનની શરૂઆત અને આંખ મીંચાવાની સાથે જીવનનો અંત. એ બે વચ્ચેની યાત્રા એટલે ખળખળ વહેતું માનવજીવન. આપણે સૌ એ જીવનયાત્રાની મથામણના માલિક. એ યાત્રાને સુંદર બનાવવી, એને સારી રીતે માણવી, એ યાત્રા સાર્થક બની રહે એનું ધ્યાન રાખવું એ આપણું કર્તવ્ય. આપણી ઠકરાત..આંખ ખોલવા અને આંખ મીંચવા વચ્ચેની જ છે. કોઇએ સાચું જ કહ્યું છેઃ

ઐસા નહીં હૈ કિ, જિંદગી બહુત છોટી હૈ,

દર અસલ હમ જીના હી, બહુત દેર સે શુરૂ કરતે હૈ.

હકીકતે સાચા અર્થમાં જીવનનો પ્રારંભ થાય છે આપણે કરેલા કોઇ એકાદ પણ નિષ્ઠાભર્યા સાચા નિર્ણયની જીવનને બદલતી કોઇક પળથી. એ મંગલમય ક્ષણનું જ મહત્ત્વ છે.

દરેક દિવસમાં થોડુંક જીવન રહેલું છે. આપણી ચેતનાની જાગૃતિની પળ. દરેક દિવસ એક પડકાર છે. એને ઝિલવાની છે. પરિવર્તન માટે પોતાની જાત સાથે લડવું પડે છે.  એક નાનકડો પ્રયોગ કરી જોઇએ તો આ વાતની પ્રતીતિ જરૂર થશે.

ફક્ત એક દિવસ માટે જ કોઇ સારો સંકલ્પ કરી, તેનો  નિષ્ઠાપૂર્વક અમલ કરી જોઇએ. પછી પરિણામ અનુભવીએ તો કોઇ નાનો સરખો ચમત્કાર આપણી પોતાની જાતમાં કે આપણી આસપાસ જરૂર જોવા મળશે. જો એક દિવસ સારા બનવાનો કે કોઇને મદદરૂપ થવાનો કે એવો કોઇ પણ શુભ સંકલ્પ જો સારું પરિણામ લાવી શકતો હોય, આપણને સાચી પ્રસન્નતા આપી શકતો હોય તો જીવનભર જો એવા  કોઇ સારા સંકલ્પ લઇને પાળી શકાય તો જીવન કઇ હદે બદલાઇ શકે?

આ પણ વાંચોઃ એ માણસ જોજે હોં.. આ એકાંત લેવાના ચક્કરમાં એકલતામાં ન જતો રહેતો…

એક દિવસના સંકલ્પથી  જીવનનું નવું પર્વ, નવો અધ્યાય ચોક્ક્સ શરૂ કરી શકાય. અલબત્ત એ ધારીએ છીએ એટલું આસાન કામ નથી જ. પરંતુ અઘરું છે માટે જ તો કરવા જેવું છે ને?

સુફી કવિ રૂમિએ ક્ષણમાં જીવન જીવવાની સુંદર  વાત કરી છેઃ

“ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને પરમાત્માને આપણી દ્રષ્ટિથી બહાર રાખે છે. આ બંનેને હડસેલીને જે અત્યારની ક્ષણ આપણી પાસે છે એ વર્તમાન ક્ષણમાં રહેલી શક્તિને અનુભવો. તમારા પોતાના અસ્તિત્વ પ્રત્યે જાગૃત થાવ.”

આપણે સૌ જાણીએ છીએ કે જીવનની મોટા ભાગની ઘટનાઓ અને સંજોગો પર આપણો કોઇ અંકુશ હોતો નથી. પરંતુ  એ બધા માટે આપણે કેવો પ્રતિસાદ આપવો, કેવો અભિગમ રાખવો કે  કેમ રીએકટ કરવું એ તો ચોક્કસ આપણા હાથમાં છે. અને  જીવનની સાર્થકતાનો આધાર પણ એ અભિગમ પર જ રહેલો છે.

બાકી જીવન  યાત્રામાં વિઘ્નો તો આવવાના જ. સંઘર્ષ વિના યાત્રાની મજા પણ શી? આંખ ખોલવા અને આંખ મીંચાવા વચ્ચેની યાત્રા રળિયામણી બનાવવામાં અનેક મુશ્કેલીઓ આવતી રહેવાની અને મનોબળ મક્કમ હશે તો  ઉકેલાતી પણ રહેવાની.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,

સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

હકીકતે જીવનમાં સાચી રીતે આંખ ઉઘડે,  આંતર ચક્ષુ ખૂલી શકે તો મોં સૂંઝણુ થઇ શકે અને જીવન અજવાસથી ઝળહળી ઉઠે. જો આ આંતરચક્ષુ ન ઉઘડી શકયા તો છતી આંખે,  દિવસના ઉજાસમાં પણ જીવન અંધકાર મય બની શકે.

જીવનયાત્રામાં આંતરચક્ષુ ઉઘડી રહે એ જ જીવનયાત્રાની સાર્થકતા અને સભરતા.

માનવી એ પરમ પિતાનું બહુ લાડકું સર્જન છે.દિલ અને દિમાગ આપીને ઇશ્વરે એને પોતાની સૃષ્ટિમાં  અદકેરૂં સ્થાન અને માન  આપ્યું છે. એ સ્થાનનું ગૌરવ જાળવવું, એનું સન્માન ટકાવી રાખવું એ આપણા સૌનું પરમ કર્તવ્ય. જીવનયાત્રાનો ઉજળો હિસાબ આપવો જ રહ્યો.

“ પછી કેમ કહીએ અસુંદર છીએ ?

   પરમના હાથે ઘડાયું એ ઘડતર છીએ..”

નીલમ દોશી
નીલમ દોશી
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code