ગોધરામાં મતદાન મથક પર એસીમાં શોર્ટ સર્કિટથી આગ
ગોધરા, 26 એપ્રિલ 2026: રાજ્યમાં આજે સવારથી પંચાયત અને પાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલના ગોધરામાં મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ એક મોટી દુર્ઘટના ઘટતા અટકી હતી. ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં અચાનક આગ ફાટી નીકળતા તંત્ર અને મતદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શારદા મંદિર સ્કૂલના જે રૂમમાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું, ત્યાં લગાવવામાં આવેલા એસીમાં વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટા ઉડવા લાગ્યા હતા. મતદાન શરૂ થવાના ગણતરીના સમય પહેલા જ બનેલી આ ઘટનાને પગલે પોલિંગ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
આગની જાણ થતા જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મિનીટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસ કાફલો પણ બામરોલી રોડ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ મિલકતને મોટું નુકસાન પહોંચ્યું નથી.
આગની આ ઘટનાને પગલે શારદા મંદિર સ્કૂલના આ કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા થોડો સમય માટે ખોરવાઈ હતી. એક તરફ રાજ્યના અન્ય ભાગોમાં ઈવીએમ ખોટકાવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે ગોધરામાં આગની ઘટનાએ ચૂંટણી તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા કરી મતદાન શરૂ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રથમ કલાકમાં 5 ટકા મતદાન, અનેક સ્થળે ઈવીએમ ખોટકાતા હોબાળો


