1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રથમ બે કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રથમ બે કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રથમ બે કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન

0
Social Share

અમદાવાદ, 26 એપ્રિલ 2026: રાજ્યમાં સવારેથી જ શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહી છે. દરમિયાન મતદારોમાં ઉત્સાહ ન હોય તેમ પ્રથમ બે કલાકમાં માત્ર નવ ટકા જેટલુ જ મતદાન નોંધાયું હતું. બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી કુંરવજી બાવળીયા સહિતના આગેવાનોએ મતદાન કરીને મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. જિલ્લા પંચાયત માટે સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 9.0 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે તાલુકા પંચાયત માટે પણ સમાન રીતે 9.0 ટકા મતદાન થયું હતું. આવી જ રીતે મહાનગરપાલિકા વિસ્તારોમાં સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 7.0 ટકા મતદાન નોંધાયું હતું. તેમજ નગરપાલિકાઓમાં આ આંકડો 9.0 ટકા રહ્યો છે

ગુજરાતમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વેની ‘સેમિફાઈનલ’ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો માટે જનતા જનાર્દન પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. મતદાન શરૂ થયાના પ્રથમ કલાકના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં સરેરાશ 5 ટકા મતદાન નોંધાયું હતું. તેમજ મતદાનના ઉત્સાહ વચ્ચે અનેક જિલ્લાઓમાંથી ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) બગડવાની ફરિયાદો ઉઠી છે. અનેક મતદાન મથકો પર એક કલાક વીતી જવા છતાં ટેકનિકલ ખામીને કારણે પ્રક્રિયા શરૂ થઈ શકી ન હતી. જેને પગલે મતદારોમાં રોષ જોવા મળ્યો હતો.

સુરતના વોર્ડ નંબર 21ના બૂથ નંબર 88 પર ટેકનિકલ ખામીને કારણે ઈવીએમ અચાનક બંધ પડી ગયું હતું. વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મતદારોને હાલાકી ભોગવવી પડી હતી. જોકે, ચૂંટણી અધિકારીઓએ તાત્કાલિક નવા ઈવીએમની વ્યવસ્થા કરી મતદાન ફરી શરૂ કરાવ્યું હતું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના મતદાન મથકે ઈવીએમ ખોટકાતા અધિકારીઓમાં દોડધામ મચી હતી. લાંબી રાહ જોવડાવતા મતદારો અકળાયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

બનાસકાંઠાના અમીરગઢમાં ઈવીએમમાં ગરબડના અહેવાલને પગલે મતદારો રોષે ભરાયા હતા. મોરવા હડફના જૂના વાલૈયા મતદાન મથકે ટેકનિકલ ખામીને કારણે મતદાન સમયસર શરૂ થઈ શક્યું નહોતું. જેથી એન્જિનિયરોની ટીમ દ્વારા મશીન રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકીય વિશ્લેષકોના મતે, આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજ્ય પૂરતી સીમિત નથી, પરંતુ તે 2027ની વિધાનસભા ચૂંટણી માટેનો પાયો નાખશે. 4.02 કરોડ મતદારો નક્કી કરશે કે આગામી સમયમાં ગુજરાતનું રાજકીય પલ્લું કઈ તરફ નમશે.

આ પણ વાંચોઃ રાગી અને દાળ મિક્સ કરી બનાવો હાઈ પ્રોટીન ભાખરવડી, જાણો સરળ રેસીપી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code