Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ સામ પિત્રોડાએ વારસાગત ટેક્સની માંગણી કરતા રાજકારણ ગરમાયું

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. જેથી રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ દેશની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર અમીરોમાં રસ ધરાવતી પાર્ટી હોવાનો આરોપ કરી રહી છે. બીજી તરફ ભાજપ પણ વંશવાદના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યું છે. દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ પ્રોપર્ટીની વહેંચણી પર પીએમ મોદીના નિવેદન બાદ વારસાગત ટેક્સની માંગણી કરતા ભારતીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાના નિવેદનના પગલે કોંગ્રેસે પણ આ નિવેદનને પિત્રોડાને સમર્થન આપવાનું ટાળ્યું હોવાનું જાણવા મળે છે.

સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની નેટવર્થ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે તેના બાળકોને ફક્ત 45 ટકા જ આપી શકે છે. જ્યારે 55 ટકા સરકારી તિજોરીમાં જમા થાય છે. આ એક રસપ્રદ નિયમ છે. તે કહે છે કે તમે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ. જોકે સંપૂર્ણપણે નહીં, માત્ર અડધી છે. મને આ ન્યાયી કાયદો ગમે છે.

તેમણે વધુમાં ઉમેર્યું, ‘જો કે, ભારતમાં આવી નથી. જો કોઈની સંપત્તિ 10 અબજ છે અને તે મૃત્યુ પામે છે, તો તેના બાળકોને 10 અબજ મળે છે અને જનતાને કંઈ નથી મળતું. તેથી લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે અંતિમ પરિણામ શું આવશે, પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનઃવિતરણની વાત કરીએ છીએ, ત્યારે અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે અને માત્ર અતિ સમૃદ્ધ લોકોના હિતમાં નથી.’

પિત્રોડાએ કહ્યું હતું કે, ‘આ પોલિસીનો મુદ્દો છે. કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેના દ્વારા સંપત્તિનું વિતરણ વધુ સારું થશે. અમારી પાસે લઘુત્તમ વેતન (ભારતમાં) નથી. જો દેશમાં લઘુત્તમ વેતન હોય અને કહેવામાં આવે કે આટલા પૈસા ગરીબોને આપો તો આ સંપત્તિની વહેંચણી છે. આજે, શ્રીમંત લોકો તેમના પટાવાળા અને નોકરોને પૂરતો પગાર આપતા નથી, પરંતુ તેઓ તે પૈસા દુબઈ અને લંડનમાં રજાઓ પર ખર્ચ કરે છે. અમારી પાસે હજુ સુધી કોઈ લઘુત્તમ વેતન કાયદો નથી.

તેમણે કહ્યું, ‘જ્યારે તમે સંપત્તિની વહેંચણીની વાત કરો છો, તો તેનો અર્થ એ નથી કે તમે ખુરશી પર બેસીને કહો કે મારી પાસે આટલા પૈસા છે અને હું તેને બધામાં વહેંચી દઈશ. આવું વિચારવું મૂર્ખતા છે. જો કોઈ દેશના વડાપ્રધાન આવું વિચારે છે તો મને તેમની સમજ અંગે થોડી ચિંતા છે. તમે ખરેખર સંપત્તિના પુનઃવિતરણની આસપાસ નીતિ વિષયક મુદ્દાઓ સાથે કામ કરી રહ્યાં છો અને જ્યારે તમે ડેટા માટે પૂછો છો, ત્યારે તમે ખરેખર આજે વિતરણ શું છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છો.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આ બધા વિશે અમારી પાસે સચોટ ડેટા નથી. મને લાગે છે કે નીતિ મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે અમને ડેટાની જરૂર છે. સંપત્તિની વહેંચણી માટે અમને આંકડાઓની જરૂર નથી. આગળ જતા નીતિ વિષયક મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે અમને ડેટાની જરૂર છે.’