Site icon Revoi.in

અનેક સેલિબ્રિટીઝ ટ્રેન્ડ સાથે તાલમેલ રાખવા માટે કપડાં ખરીદવાને બદલે ભાડે લે છેઃ આયુષ્યમાન ખુરાના

Social Share

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ પોતાના લુકને લઈને ખૂબ જ ગંભીર હોય છે. તે પોતાના મેક-અપ અને ડ્રેસનું ખાસ ધ્યાન રાખે છે. આકર્ષક દેખાવા માટે તેઓ હંમેશા કંઈક નવું કરતા રહે છે. મોટા ભાગના અભિનેતાઓ કે અભિનેત્રીઓ ડ્રેસ પહેર્યા પછી ફરીથી પહેરતા નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતા આયુષ્માન ખુરાનાએ બોલિવૂડમાં ભાડે લેવાના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. બોલિવૂડ સ્ટાર્સના કપડા વિશે અભિનેતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે આ એક ખુલ્લું રહસ્ય છે. મોટાભાગના બોલિવૂડ સેલિબ્રિટીઝ ટ્રેન્ડ સાથે તાલમેલ રાખવા માટે કપડાં ખરીદવાને બદલે ભાડે લે છે. આ દરમિયાન તેમણે પોતાના ભાઈ અને અભિનેતા અપારશક્તિ ખુરાના સાથે જોડાયેલી એક કિસ્સો પણ શેર કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાડાના ટ્રેન્ડ વિશે વાત કરતી વખતે, અભિનેતાએ એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘આખું બોલિવૂડ ભાડા પર છે. તમને લાગે છે કે, અમે કપડાં ખરીદીએ છીએ? અમે સ્ટાઈલિસ્ટ્સ રાખીએ છીએ, તેમની પાસેથી કપડાં લઈએ છીએ અને તેમને પરત કરીએ છીએ. અમે આટલા કપડાં ક્યાંથી લઈએ ?

દિલજીત દોસાંજની સ્ટાઈલ અને તેની ગ્લોબલ પહોંચના વખાણ કરતાં આયુષ્માને આગળ કહ્યું કે, ‘મને દિલજીત દોસાંજની સ્ટાઈલ ગમે છે. અભિનેતાએ તેના ભાઈ અપારશક્તિની ફેશન સેન્સ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, મને ફેશનનો શોખ નથી. હું ખૂબ જ સાદું જીવન જીવું છું, પરંતુ જો તમારે તમારા કામ માટે અલગ દેખાવાનો હોય તો તે તમારા વ્યવસાયનો એક ભાગ છે. મારા ભાઈ અપારશક્તિને ફેશન ગમે છે. તે આ કામ ખૂબ સારી રીતે કરે છે. અભિનેતાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તે શરૂઆતના દિવસોમાં એન્કરિંગ કરતો હતો ત્યારે ભાઈ અપારશક્તિની સ્ટાઈલ અપનાવતો હતો.

આયુષ્માન છેલ્લે ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે, અભિનેતાએ હજુ સુધી તેના આગામી કામ અંગે કોઈ જાહેરાત કરી નથી.

Exit mobile version