Site icon Revoi.in

પાકિસ્તાનમાં મહિનામાં જેટલી કાર વેચાય છે તેનાથી વધારે કાર માત્ર એક જ દિવસમાં ભારતમાં વેચાય છે

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો લોટ લેવા માટે પણ ફાંફામારી રહ્યાં છે. તેમ છતા ધનવાન લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ખુલ્લા હાથે પૈસા ખર્ચે છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનમાં એક મહિનામાં જેટલી મોટરકાર વેચાય છે, તેનાથી વધારે મોટરકાર ભારતમાં માત્ર એક જ દિવસમાં વેચાય છે.

આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનમાં 2023ના છેલ્લા ક્વાર્ટરમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કારના વેચાણમાં સુધારાના સંકેત જોવા મળ્યા છે. જ્યારે પેસેન્જર વાહનોનું વેચાણ 5,000 ની નીચે રહ્યું હતું. પાકિસ્તાન ઓટોમોટિવ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા શેર કરાયેલા માસિક વેચાણના ડેટા અનુસાર, દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ માર્ચ 2024માં 7,672 યુનિટ હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા એકમોની સરખામણીમાં 6.1નો નજીવો ઘટાડો છે. જ્યારે સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ ઉદ્યોગો વધતા ઈનપુટ ખર્ચ, એકંદર ફુગાવા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પાકિસ્તાની ખરીદદારોને તાજેતરની નબળી આર્થિક સ્થિતિ, ચલણનું અવમૂલ્યન અને વાહનની ખરીદી પર ઊંચા કર જેવા અન્ય પડકારોનો પણ સામનો કરવો પડે છે.

જોકે, પાકિસ્તાન અને ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી એકબીજા સાથે સરખાવી શકાય નહીં. પરંતુ ઝડપથી વિકસતા ભારતીય પેસેન્જર વ્હીકલ માર્કેટને એ રીતે સમજી શકાય છે કે, સપ્લાય ચેઈન પ્રતિબંધો, વધતા ઈનપુટ ખર્ચ જેવા અનેક પડકારોનો સામનો કરવા છતાં, માર્ચ 2024માં દેશમાં 3.69 લાખથી વધુ કારનું વેચાણ થયું હતું. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, માર્ચમાં સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ 3,69,381 યુનિટ્સ પર પહોંચ્યું હતું. આ આંકડાઓ અનુસાર દરરોજ 12,000થી વધુ કારનું વેચાણ થાય છે. આ પણ ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 3,35,976 એકમોની સરખામણીમાં 10 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ઓટો ઉત્પાદકો વચ્ચે સ્પર્ધા વધી રહી છે અને પાકિસ્તાન બદલાતા માહોલને અનુરૂપ થવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. વાસ્તવમાં, ઘણા મોટા ઉત્પાદકોએ આ દેશમાં તેમની કામગીરી પહેલેથી જ બંધ કરી દીધી છે. જ્યારે અન્ય લોકો જો પરિસ્થિતિમાં સુધારો ન થાય તો છોડવાનું વિચારી રહ્યા હોવાની અફવા છે.