Site icon Revoi.in

વીરતાનું રતન CDS બિપિન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદી, રક્ષા મંત્રી, ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

Social Share

નવી દિલ્હી: આજે બપોરે તામિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ મધુલિકા રાવતનું પણ નિધન થયું છે. વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી છે.

બુધવારે બપોરે તામિલનાડુના કુન્નૂરની પાસે વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટરને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. આ હેલિકોપ્ટરમાં સવાર અન્ય 13 સૈન્ય અધિકારીઓનું પણ નિધન થયું છે.

CDS બિપિન રાવતના નિધન પર રક્ષામંત્રી રાજનાથ સિંહ, પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.

પીએમ મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાથી ખૂબ જ દુખી છું. જેમાં આપણે જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય કર્મીઓને ગુમાવી દીધા છે. તેમણે સંપૂર્ણ લગન સાથે ભારતની સેવા કરી. શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદનાઓ છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કર્યો હતો કે, આજે તામિલનાડુમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની તેમજ 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનોના આકસ્મિક નિધનથી ખૂબ જ દુ:ખ અનુભવી રહ્યો છું. તેમનું આ રીતે અણધાર્યું નિધન આપણા સશસ્ત્ર દળ અને દેશ માટે એક અપૂર્ણિય ક્ષતિ છે.

ગૃહ મંત્રી અમિત શાહે પણ દુખ વ્યક્ત કર્યું હતું કે, આજનો દિવસ દેશ માટે ખૂબ જ દુખદ છે. કારણ કે આપણે CDS બિપિન રાવતને હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુમાવી દીધા છે. તેઓ બહાદુર અને જાંબાઝ સૈનિકોમાંથી એક હતા. જેણે અત્યંત ભક્તિની સાથે માતૃભૂમિની સેવા કરી છે. તેમની પ્રતિબદ્વતા અને યોગદાનને શબ્દોમાં વ્યક્ત ના કરી શકાય. મને ખૂબ જ દુ:ખ થયું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્નિના અણધાર્યા નિધનથી હું હતપ્રભ અને દુ:ખી છુુ. રાષ્ટ્રએ એક બહાદુર સુપુત્રને ગુમાવ્યા છે. તેઓએ વીરતા, બહાદુરી અને શૌર્ય સાથે ચાર દાયકા સુધી માતૃભૂમિ માટે નિ:સ્વાર્થપણે સેવા આપી હતી. તેમના શોકગ્રસ્ત પરિવારને મારી સંવેદનાઓ.

નોંધનીય છે કે, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત ત્રણેય સેવાઓ અંગે સંરક્ષણ મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. 1 જાન્યુઆરી, 2020ના રોજ જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બન્યા હતા.