Site icon Revoi.in

વિપક્ષી ગઠબંધનમાં નવા સમીકરણો: કૉંગ્રેસથી દૂર અને AAPની નજીક જઈ રહ્યા છે મમતા બેનર્જી?

Social Share

નવી દિલ્હી: પંજાબમાં કિસાન આંદોલન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. આને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવવામાં આવે છે કે ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 21 ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

21 ફેબ્રુઆરીએ મમતા બેનર્જી પહેલા અમૃતસરમાં દરબારસાહિબ ખાતે માથું ટેકવશે. તેના પછી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. લોકસભા ચૂંટણી અને કિસાન આંદોલનની વચ્ચે તેમની આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે.

મમતા બેનર્જી 21 ફેબ્રુઆરી સુધી કિસાન આંદોલન ચાલુ રહેશે, તો આંદોલનકારીને મળવા જશે અને તેનાથી પંજાબની રાજનીતિમાં પણ નવો ઉભરો આવવાની શક્યતા છે. તેઓ પહેલા જ ખેડૂતોની માગણીઓને ટેકો આપી ચુક્યા છે અને શંભુ બોર્ડર પર ખેડૂતોને મારવા અને ટિયરગેસના સેલ છોડવાની ટીકા કરી ચુક્યા છે.

ઈન્ડિયા ગઠબંધનની બેઠકોમાં મમતા અને કેજરીવાલ મળતા રહ્યા છે. હવે બંને નેતાઓની પાર્ટીઓએ કોંગ્રેસથી જ નહીં, પણ જાણે કે ઈન્ડિયા ગઠબંધનથી જ કિનારો કરી લીધો છે. મમતાની પંજાબ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે લોકસભા ચૂંટણીમાં માત્ર કેટલાક દિવસ જ બચ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને કંઈક મોટો વિચાર કરી રહી છે.

બંગાળ બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઘણીવાર ઉજાગર કરી ચુક્યા છે કે તેઓ એકલાહાથે પોતપોતાના રાજ્યમાં ચૂંટણી લડશે. માન મોદી સરકાર પર નિશાન સાધતા ઘણીવાર મમતા બેનર્જી અને બંગાળનું ઉદાહરણ આપી ચુક્યા છે. તાજેતરમાં તરણતારનની રેલીમાં ભગવંત માને કહ્યુ હતુ કે પંજાબની દૂધ સહકારિતા બ્રાન્ડ વેરકાની સપ્લાઈ પશ્ચિમ બંગાળ સુધી લઈ જવાની છે.