Site icon Revoi.in

બિહારમાં નવા યુગનો પ્રારંભ: સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Social Share

પટના, 15 એપ્રિલ 2026: બિહારના રાજકારણમાં આજે એક ઐતિહાસિક પલટો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીએ આજે બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પટના સ્થિત લોક ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં તેમણે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. બિહારના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યો છે.

સોમવારે જેડીયુ ચીફ નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને બિહારના સારા ભવિષ્યની આશા સાથે સમ્રાટ ચૌધરીને જવાબદારી સોંપી હતી. મંગળવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ, લલન સિંહ અને જીતન રામ માંઝી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહા અને અરૂણ ભારતી સહિતના સાથી પક્ષોના નેતાઓએ પણ હાજરી આપી હતી.

નવી સરકારમાં સત્તાનું સંતુલન જાળવવા માટે જેડીયુ કોટામાંથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ફેરફાર સાથે બિહારમાં હવે વિકાસ અને સુશાસન પર નવો ફોકસ રહેવાની આશા સેવાઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીઓ ભૂતકાળમાં અન્ય પક્ષો સાથે જોડાયેલા રહ્યા છે.

સમ્રાટ ચૌધરીએ આરજેડીથી શરૂઆત કરી અને ‘હમ’ અને જેડીયુમાં રહ્યા બાદ ભાજપમાં જોડાયા હતા. આવી જ રીતે વિજય ચૌધરીની રાજકીય સફર કોંગ્રેસથી શરૂ થઈ હતી ત્યાર બાદ નીતિશ કુમારના વિશ્વાસુ બન્યાં હતા. વિજેન્દ્ર યાદવ 1990માં જનતા દળની ટીકીટ ઉપર જીત્યા હતા. લાલુ પ્રસાદની સરકારમાં મંત્રી રહ્યાં બાદ 1997માં વિભાજન વખતે તેમણે શરદ યાદવનો સાથ પસંદ કર્યો હતો.

મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ નીતિશ કુમાર હવે રાજ્યસભામાં જઈ રહ્યા છે. રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેતાની સાથે જ તેમણે એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેઓ બિહારના એવા છઠ્ઠા નેતા બન્યા છે જેઓ લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ આ ચારેય ગૃહોના સભ્ય રહ્યા હોય. નીતિશ કુમારે જણાવ્યું હતું કે, પદ છોડ્યા બાદ પણ તેઓ બિહારના વિકાસ માટે માર્ગદર્શન આપતા રહેશે.

Exit mobile version