Site icon Revoi.in

કચ્છમાંથી ઝડપાયેલા 1190 કરોડના કોકેઈન કેસમાં NIA ની એન્ટ્રી, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Social Share

અમદાવાદ, 30 મે 2026: ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના નિશાને આવ્યો છે. જોકે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની સમયસૂચકતા અને સજાગતાના કારણે દેશમાં ઘૂસાડવામાં આવી રહેલું રૂપિયા 1190 કરોડનું કોકેઇન નેટવર્ક ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. કચ્છના દરિયાકાંઠેથી 119 કિલો શુદ્ધ કોકેઇનનો બિનવારસી અને છુપાવીને રાખવામાં આવેલો જથ્થો ઝડપાયા બાદ, હવે આ ગંભીર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય સરહદો અને દરિયાઈ માર્ગો વટાવીને ભારતમાં લાવવામાં આવ્યું હોવાથી, કેન્દ્રીય એજન્સીઓએ તેને દેશની આંતરિક સુરક્ષા સાથે જોડીને સઘન તપાસ શરૂ કરી છે.

એટીએસ અને એનઆઈએની સંયુક્ત પૂછપરછ તેમજ ડિજિટલ ફોરેન્સિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ આખુંય ડ્રગ્સ નેટવર્ક અત્યંત આધુનિક ટેકનોલોજીના સહારે ઓપરેટ કરવામાં આવતું હતું. ડ્રગ્સનો જથ્થો ભારતીય જળસીમામાં કે કચ્છના કિનારે પહોંચ્યા બાદ, તેના ચોક્કસ લોકેશનની માહિતી કોઈ સામાન્ય ફોન કોલ પર આપવામાં આવતી ન હતી. પરંતુ, સુરક્ષા એજન્સીઓ ટ્રેક ન કરી શકે તેવી ‘એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન’ દ્વારા કોલ કરવામાં આવતા હતા. સ્થાનિક રિસીવરોને માત્ર ઇન્ટરનેટ કોલિંગ મારફતે જ કઈ જગ્યાએથી માલ ઉપાડવો તેની ગુપ્ત માહિતી મળતી હતી, જેથી નેટવર્કના મુખ્ય સપ્લાયરો સુરક્ષિત રહી શકે.

આ આંતરરાષ્ટ્રીય ગુનાના મૂળિયાં છેક આફ્રિકા સુધી વિસ્તરેલા હોવાનું ખૂલ્યું છે. તપાસ એજન્સીઓને બે આફ્રિકન ડ્રગ સપ્લાયરોના નક્કર ક્લૂ મળ્યા છે, જેઓ આ કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી પાછળના મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાની પ્રબળ આશંકા છે. આ આફ્રિકન સપ્લાયરો ભારતમાં કયા-કયા લોકલ એજન્ટો, પેડલરો અને આંતરરાજ્ય બુટલેગરોના સંપર્કમાં હતા તેની કોલ ડિટેઇલ અને આઇપી એડ્રેસ હાલ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે 119 કિલો કોકેઇનનો આ મસમોટો જથ્થો ગુજરાત થઈને દેશના અન્ય રાજ્યો, ખાસ કરીને મુંબઈ, દિલ્હી અને ગોવા જેવા મોટા મેટ્રો શહેરોની હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં સપ્લાય થવાનો હતો. હાલ આ તમામ દિશાઓમાં ગુપ્તચર અને તપાસ એજન્સીઓએ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે.

Exit mobile version