નવી દિલ્હી, 3 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ જગતમાં વધુ એક અભૂતપૂર્વ સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. પીએમ મોદીની સત્તાવાર યૂટ્યુબ ચેનલે 3 કરોડ (30 મિલિયન) સબસ્ક્રાઇબર્સનો આંકડો વટાવી દીધો છે. આ સાથે જ તેઓ યૂટ્યુબ પર વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજનેતા બની ગયા છે. ગ્લોબલ રેન્કિંગમાં પીએમ મોદીએ વિશ્વના અન્ય મોટા ગજાના નેતાઓને પછાડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
વૈશ્વિક સ્તરે પીએમ મોદીની લોકપ્રિયતા અન્ય નેતાઓ કરતા ઘણી વધારે જોવા મળી રહી છે. રેન્કિંગમાં બીજા ક્રમે બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો છે, જેમના સબસ્ક્રાઇબર્સની સંખ્યા આશરે 66 લાખ (6.6 મિલિયન) છે, જે પીએમ મોદીની સરખામણીએ માત્ર ચોથા ભાગની છે. અમેરિકી નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તુલના કરીએ તો પીએમ મોદીના સબસ્ક્રાઇબર્સ તેમની સરખામણીએ સાત ગણાથી પણ વધુ છે.
ભારતની અંદર પણ ડિજિટલ પહોંચના મામલે પીએમ મોદીનો દબદબો સ્પષ્ટ દેખાય છે. સબસ્ક્રાઇબર્સની સંખ્યાની દ્રષ્ટિએ પીએમ મોદીની ચેનલ પાસે રાહુલ ગાંધીની ચેનલ કરતા લગભગ ત્રણ ગણા વધુ સબસ્ક્રાઇબર્સ છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંનેની સત્તાવાર ચેનલો કરતા પીએમ મોદીના સબસ્ક્રાઇબર્સ ચાર ગણાથી વધુ છે.
યૂટ્યુબની સાથે પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પણ ઇતિહાસ રચી દીધો છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ (100 મિલિયન) ફોલોઅર્સનો આંકડો પાર કરનારા વિશ્વના પ્રથમ રાજનેતા બન્યા છે. વર્ષ 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા બાદ છેલ્લા એક દાયકામાં તેમનું એકાઉન્ટ વિશ્વના નેતાઓમાં સૌથી વધુ સક્રિય અને લોકપ્રિય સાબિત થયું છે.
ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના ફોલોઅર્સ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણાથી પણ વધુ છે. વિશ્વના ટોચના પાંચ નેતાઓના કુલ ફોલોઅર્સ ભેગા કરવામાં આવે તો પણ તે પીએમ મોદીના એકલાના ફોલોઅર્સ કરતા ઓછા છે. આ સિદ્ધિ ડિજિટલ સંચારના ક્ષેત્રમાં પીએમ મોદીના વધતા પ્રભાવ અને જનતા સાથેના તેમના સીધા જોડાણને રેખાંકિત કરે છે.
આ પણ વાંચોઃ જમ્મુ સરહદે જૈશના આતંકીઓની ઘૂસણખોરીનું કાવતરું, સુરક્ષાદળો એલર્ટ

