Site icon Revoi.in

પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પૂર્ણ, સવા બે કલાકની ઑનલાઈન મીટિંગમાં શું થયું?

PM Modi's meeting with Chief Ministers

PM Modi's meeting with Chief Ministers

Social Share

નવી દિલ્હી, 27 માર્ચ, 2026: પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોની ઊભી થયેલી અસાધારણ સ્થિતિને પહોંચી વળવા ભારત સરકાર સજ્જ છે. કેન્દ્ર સરકાર આ સ્થિતિમાં રાજ્યોને પણ વિશ્વાસમાં લઈને તેમને સાથે રાખવા તત્પર છે. એ સંદર્ભમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી.

સવા બે કલાક ચાલેલી આ મીટિંગમાં જોકે 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ નહોતા જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે. આ જ કારણસર પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ આ બેઠકનો ભાગ નહોતા. આ મીટિંગનો ઉદ્દેશ્ય ઈરાન યુદ્ધથી સર્જાયેલી પરિસ્થિતિઓનો કુશળતાપૂર્વક સામનો કરવાનો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં ઈંધણનો પુરવઠો પ્રભાવિત થયો છે.

આ પણ વાંચોઃ ખાતરની સંગ્રહખોરી – કાળાબજાર ઉપર એક્શન, ખેડૂતોનાં હિતના રક્ષણ માટે 6900 લાયસન્સ રદ

અહેવાલ અનુસાર, બેઠકની શરૂઆતમાં વડાપ્રધાને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલવાની તક આપી હતી અને તેમની પાસેથી તેમનાં રાજ્યોની ગેસ, પેટ્રોલ, ડિઝલ ઉપરાંત તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વિશે વિગતો મેળવી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને તમામ મદદની ખાતરી આપી હતી અને ઈંધણનો જથ્થો પૂરતો છે અને તે ખૂટવાનો નથી તેવું રાજ્યોને આશ્વાસન આપ્યું હતું.

ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની અફવાને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી હતી. ઘણા લોકો મોટી ટાંકીઓમાં ડીઝલ ભરાવવા પહોંચી રહ્યા છે, જેના કારણે અન્ય લોકોને ડીઝલ મળવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે, સરકાર સતત દાવો કરી રહી છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી.

ભારત મોટા પાયે કાચું તેલ અને LPG, PNG ની આયાત પશ્ચિમ એશિયાના દેશોમાંથી કરે છે. તેનો મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવે છે, જ્યાંથી ટેન્કરો પસાર થવામાં મુશ્કેલી પડતી હોવાથી પુરવઠો પ્રભાવિત થયો છે. જોકે, ઈરાને ભારત આવતા ટેન્કરોને પસાર થવા માટે છૂટ આપી છે.

કોરોનાકાળના ‘ટીમ ઈન્ડિયા’ મોડેલ પર ભાર

આ મીટિંગમાં એન. ચંદ્રબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશ), યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), રેવંત રેડ્ડી (તેલંગાણા), ભગવંત માન (પંજાબ), ભૂપેન્દ્ર પટેલ (ગુજરાત), ઉમર અબ્દુલ્લા (જમ્મુ-કાશ્મીર), સુખવિંદર સિંહ સુક્ખૂ (હિમાચલ પ્રદેશ), પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશ) અને અન્ય પ્રદેશોના મુખ્યમંત્રીઓ સામેલ હતા. આ મીટિંગમાં ઈંધણની કિંમતો અને પુરવઠા પર ચર્ચા કરવામાં આવી હતી. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલા શરૂ થયા બાદ, પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર વડાપ્રધાને પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે.

આ પણ વાંચોઃ હરિયાણામાં વિધાનસભા ટિકિટ માટે સાત કરોડ ચૂકવ્યા હતા, મહિલા નેતાના પતિની ફરિયાદ બાદ કેસ દાખલ

કોરોના સમયે પીએમ મોદીએ ‘ટીમ ઈન્ડિયા’ મોડેલ હેઠળ કામ કર્યું હતું. આ મોડેલમાં તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર મળીને એક ટીમની જેમ કામ કરે છે. કેન્દ્રની જવાબદારી તમામ રાજ્યોને મોટા પાયે જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે અને રાજ્ય સરકારો આ વસ્તુઓનું લોકોમાં યોગ્ય રીતે વિતરણ કરવા પર ધ્યાન આપે છે. કોરોના સમયે દવા, માસ્ક અને ટેસ્ટિંગ કિટ પર ભાર હતો, હવે તેને બદલે પેટ્રોલ-ડીઝલ અને LPG પર ફોકસ છે. વડાપ્રધાન અગાઉ પણ કહી ચૂક્યા છે કે ઈરાન યુદ્ધથી સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કોરોનાકાળની જેમ જ સૌએ મળીને કામ કરવું પડશે.

રાષ્ટ્રની ઊર્જા સુરક્ષા જાળવી રાખવી અત્યંત મહત્ત્વનું છે. અફવાઓથી દૂર રહીને ઈંધણનો વાજબી ઉપયોગ કરવો એ જ નાગરિકો માટે શ્રેષ્ઠ માર્ગ છે. સરકાર આ પરિસ્થિતિમાં લઘુતમ અવરોધ સાથે પુરવઠો જાળવી રાખવા કટિબદ્ધ છે.

Exit mobile version