ચેન્નઈ, 21 એપ્રિલ, 2026 – પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદી છે એવું જાહેરમાં, ઑન કેમેરા નિવેદન કરીને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બરાબરના ફસાયા છે. તમિલનાડુમાં આગામી 23 એપ્રિલના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ માટેનો ચૂંટણી પ્રચાર મંગળવારે સમાપ્ત થયો છે.
આ ચૂંટણીમાં DMK-કોંગ્રેસનો મુકાબલો AIADMK અને ભાજપના ગઠબંધન સાથે થઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.
જોકે, આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક મોટું વિવાદિત નિવેદન આપી દીધું છે. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને આતંકવાદી ગણાવ્યા છે, જેના કારણે હવે ભારે હોબાળો શરૂ થયો છે.
શું બોલ્યા મલ્લિકાર્જુન ખડગે?
તમિલનાડુના ચેન્નઈમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- “આ લોકો (AIADMK) મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? તે એક આતંકવાદી છે. તેઓ સમાનતામાં વિશ્વાસ રાખતા નથી. તેમની પાર્ટી સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ રાખતી નથી. અને આ લોકોનું તેમની સાથે જોડાવું, તેનો અર્થ એ છે કે તેઓ લોકશાહીને નબળી પાડી રહ્યા છે.”
જુઓ વીડિયો
કોંગ્રેસ-DMK નીચ હરકત પર ઉતરી આવ્યાઃ પીયૂષ ગોયલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદન પર તમિલનાડુ ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું- “મને શરમ આવે છે કે કોંગ્રેસ અને DMK એટલી નીચ હરકત પર ઉતરી આવ્યા છે કે તેઓ ભારતના જનતા દ્વારા લોકશાહી ઢબે ચૂંટાયેલા વડાપ્રધાનને આતંકવાદી કહીને તેમનું અપમાન કરી રહ્યા છે.
રાહુલ ગાંધી અને એમ.કે. સ્ટાલિને વડાપ્રધાન અને તેમને વોટ આપીને સત્તામાં લાવનારી ભારતની જનતાના આ ઘોર અપમાન બદલ માફી માંગવી જોઈએ. કોંગ્રેસ અને DMKએ આ નિવેદનથી 140 કરોડ ભારતીયોને, જેમાં આપણા 8 કરોડ તમિલ ભાઈ-બહેનો પણ સામેલ છે, અપમાનિત કર્યા છે.”
આ પણ વાંચોઃ ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વધુમાં કહ્યું- “આ અપવિત્ર ગઠબંધન વડાપ્રધાનને નિશાન બનાવીને ભારતીયોને આતંકવાદી કહી રહ્યું છે. વડાપ્રધાન પર આ પ્રકારના વ્યક્તિગત હુમલા તેમના ચૂંટણીના ભાવિને બદલી શકશે નહીં, જે તેમના કુશાસનથી પીડિત જનતાના રોષથી પહેલાથી જ નક્કી થઈ ચૂક્યું છે.”
NDA ને ક્લીન સ્વીપ મળી રહી છે
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તમિલનાડુ ચૂંટણી અંગે કહ્યું, “NDA ગઠબંધનને ક્લીન સ્વીપ મળી રહી છે. વડાપ્રધાન મોદી અને એડપ્પડી કે. પલાનીસ્વામીને દિન-પ્રતિદિન મળી રહેલા જબરદસ્ત સમર્થનને જુઓ. તમે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો માયલાપોર રોડ શો જોયો. તમે ચંદ્રબાબુ નાયડુને જોયા, તેમને જે સમર્થન મળ્યું તે પણ જોયું.”
મલ્લિકાર્જુન ખડગેએ ફેરવી તોળ્યું
વિવાદ વધ્યા બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ‘આતંકવાદી’ વાળા નિવેદનને ફેરવી તોળ્યું છે. ખડગેએ કહ્યું- “કારણ કે ભાજપ સરકાર રાજકીય પક્ષો અને ખાસ કરીને ઉમેદવારોને ડરાવી રહી છે. તેઓ CBI, ED અને આવકવેરા વિભાગ જેવી સંસ્થાઓનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનો દુરુપયોગ કરી રહ્યા છે.
તેઓ લોકોમાં ડર પેદા કરી રહ્યા છે જેથી તેમને લાગે કે સરકાર વિરોધ પક્ષોને પણ નિશાન બનાવવા માટે પૂરતી શક્તિશાળી છે. આ સંદર્ભમાં મેં આ વાત કહી હતી. મેં ક્યારેય એવું નથી કહ્યું કે તેઓ (PM મોદી) આતંકવાદી છે. મેં કહ્યું હતું કે તેઓ અને તેમની સરકાર આ સંસ્થાઓનો ઉપયોગ કરીને લોકોને ડરાવી રહ્યા છે. મારો આ જ અર્થ હતો.”
VIDEO | PTI Exclusive: Congress President Mallikarjun Kharge clarifies his ‘terrorist’ remark. He says, “…because the BJP government is terrorising political parties and, particularly, candidates. They are using institutions like the CBI, ED, and the Income Tax Department, and… pic.twitter.com/9zDBpIDJAn
— Press Trust of India (@PTI_News) April 21, 2026

