Site icon Revoi.in

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે પાકિસ્તાનમાં PM શરીફ અને મુનીર થયા ભારે ટ્રોલ, VIDEO વાયરલ

Social Share

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલા મહત્વપૂર્ણ વેપાર કરારના પડઘા પાકિસ્તાનમાં તીવ્ર રીતે પડ્યા છે. આ કરારથી છંછેડાયેલા પાકિસ્તાની નાગરિકોએ સોશિયલ મીડિયા પર પોતાના જ વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને જોરદાર ટ્રોલ કર્યા છે. ભારતના વધતા વૈશ્વિક પ્રભુત્વ સામે પાકિસ્તાનની કથળતી હાલત જોઈને પાકિસ્તાની યુઝર્સે તેમની સરકારની આકરી ટીકા કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાકિસ્તાની યુઝર્સે ભારત-અમેરિકા સંબંધોને લઈને અનેક એડિટ કરેલા ફોટા અને પોસ્ટ મૂકી છે. એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરને રડતા બતાવવામાં આવ્યા છે. એક તસવીરમાં અસીમ મુનીર પથ્થરોથી ભરેલું લાકડાનું બોક્સ લઈને મોદી અને ટ્રમ્પની પાછળ ઉભેલા બતાવવામાં આવ્યા છે, જે પાકિસ્તાનની આર્થિક લાચારી દર્શાવે છે. કેટલાક યુઝર્સે તો ગુસ્સામાં શહબાઝ શરીફ અને મુનીરની સરખામણી અત્યંત અપમાનજનક શબ્દો સાથે કરીને તેમની ‘જી-હજૂરી’ વાળી નીતિ પર પ્રહારો કર્યા છે.

નવા કરાર મુજબ, અમેરિકા ભારતીય ચીજવસ્તુઓ પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કરશે. બીજી તરફ, પાકિસ્તાને ભારત કરતા વધુ એટલે કે 19 ટકા ટેક્સ ચૂકવવો પડશે. પાકિસ્તાની જનતામાં રોષ છે કે ભારત પોતાની શરતો પર મક્કમ રહીને સોદાબાજી કરે છે, જ્યારે પાકિસ્તાન માત્ર પશ્ચિમી દેશો સામે નતમસ્તક થાય છે. અમેરિકાએ ભારત ઉપર 18 ટકા ટેરિફ કર્યો છે. જ્યારે ભારતના અન્ય પડોશી દેશો ઉપર નજર કરીએ તો પાકિસ્તાન ઉપર 19 ટકા, મલેશિયા ઉપર 19 ટકા, બાંગ્લાદેશ ઉપર 20 ટકા ઉપર વિયેતનામ ઉપર 20 ટકા ટેરિફ નાખ્યો છે.

ભારત અને અમેરિકા વચ્ચેના નવા કરાર મુજબ, અમેરિકા ભારતીય ઉત્પાદનો પર લાગતા ટ્રેડ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 કરવા સંમત થયું છે. અગાઉ, રશિયન તેલની ખરીદી સહિતના મુદ્દે અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર 50 સુધી ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેના કારણે સંબંધોમાં તણાવ હતો. જોકે, નવી ડીલથી ભારતીય નિકાસકારોને મોટી રાહત મળશે. આ નવા દરો ક્યારથી લાગુ થશે તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ પણ વાંચોઃ યુપી: સંભલની જામા મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની માંગ વહીવટીતંત્રે ફગાવી

Exit mobile version