Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા આગોતરુ આયોજન, કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસ એકશનમાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં હતા. જો કે, હવે કોરોનાના કેસમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર આના કરતા પણ વધારે ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે આ લહેરનો સામનો કરવા માટે સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન ચુસ્ત પણે કરે તે માટે પોલીસે પણ કવાયત શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભીડ ન થાય તથા લગ્ન જેવા પ્રસંગોમાં સરકાર ની ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ વોચ રાખવાના રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આદેશ કર્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેથી નાના ગામોમાં પણ કોવિડ કેસ સેન્ટર ખોલવામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ તમામ જીલ્લા પોલીસ વડાઓને ગ્રામ્ય કોવિડ કેર સેન્ટર ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત મૂકીને ત્યાં યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપી છે. એટલું જ નહીં ગ્રામ્ય કોવિડ કેર સેન્ટર ખાતે કોઈ પણ જાતની ભીડ ન થાય તે માટે પણ ખાસ સૂચના આપી છે.

ઉપરાંત ગામડામાં અન્ય જાહેર સ્થળો ઉપર લોકો વધુ સંખ્યામાં એકઠા ન થાય અને સોશ્યલ ડીસ્ટન્સ તથા માસ્કના નિયમોનું ચુસ્ત પાલન થાય તે પણ પોલીસ તથા જી.આર.ડી જવાનો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જયારે ગામના કોવિડ કેર સેન્ટર ઉપર મૂકવામાં આવેલ પોલીસ બંદોબસ્ત દ્વારા ગામમાં લગ્ન તથા અવસાન જેવા પ્રસંગોમાં પણ નિયત સંખ્યા કરતાં વધુ લોકો ભેગા ન થાય તે માટે પણ વોચ રાખવાના આદેશ આપવામાં આવ્યો છે. આ પોલીસ બંદોબસ્તમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 56 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો અને એસઆરપીની 90 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

રાજ્યમાં અત્યાર સુધી 426 જેટલા લગ્ન પ્રસંગોમાં પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ છે. આ પ્રસંગોમાં માસ્ક ન પહેરવા અને અન્ય ગાઈડલાઈનના ભંગ બદલ 17 જેટલા ગુના નોંધવામાં આવ્યાં છે. જાહેરનામાના ભંગ બદલ પોલીસે 511 જેટલા ગુના નોંધીને 600થી વધારે લોકોની અટકાયત કરી છે.