Site icon Revoi.in

વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 53મા સંસ્કરણની પહેલાં શુભેચ્છાઓ આપી અને ભારતીય સિનેમાના વખાણ કર્યા.

Social Share

ગોવા: વડાપ્રધાન મોદીએ ભારતીય આંતરરાષ્ટીય ફિલ્મ મહોત્સવ ના 53મા સંસ્કરણ પહેલાં પોતાની શુભકામનાઓ આપી છે. 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ગોવામાં ચાલનારા આ ૫૩મા ભારતીય  આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતના વિભિન્ન ફિલ્મ ઉદ્યોગોના કલાકારો અને કસબીઓ ફિલ્મ ક્ષેત્રે તેમણે કરેલું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન અહીં પ્રદર્શિત કરશે.

આ વર્ષે ગોવામાં 53મો ભારતીય આંતરરાષ્ટીય ફિલ્મ મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેનું ઉદ્ઘાટન આ રવિવારે એટલે કે 20 નવેમ્બરે થવા જઈ રહ્યું છે. જેમાં બોલિવુડના અનેક સ્ટાર્સ ભાગ લેવાના છે.આજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વડાપ્રધાન મોદીએ આ મહોત્સવના જોરદાર વખાણ કરતાં એક લાંબા મેસેજમાં જણાવ્યું કે, “ સૂચના અને પ્રસારણ મંત્રાલય અને ગોવા સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત ફિલ્મ મહોત્સવના આ સંસ્કરણ માટે તેઓ ઘણો આનંદ અનુભવે છે. ભારતીય આંતરરાષ્ટીય ફિલ્મ મહોત્સવ (IFFI) સિનેમાના માધ્યમથી વિવિધ દેશો, રાજ્યો અને સમાજના કલાકારોને એક મંચ પર એકઠાં કરીને આ ઉદ્યોગને નવું પ્રોત્સાહન આપે છે.

આ મહોત્સવ એ ભારતનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ છે. જેના પ્રત્યે મોદી પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવે છે કે  “ગોવામાં આ મિની-વર્લ્ડ ગેધરીંગમાં સંવાદ અને સમન્વયથી કલાની દુનિયાને ઊંડી સમજ અને નવું શીખવા મળશે.”

આ ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર કરશે. સાથે જ ગોવાના રાજ્યપાલ શ્રીધરન પિલ્લઈ, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.  આ વખતે ફેસ્ટિવલમાં 282  ફિલ્મો દર્શાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરતી 180 ફિલ્મો પણ દર્શાવવામાં આવશે. આના ઉદ્ઘાટન સમારોહમાં કાર્તિક આર્યન ઉપરાંત વરુણ ધવન, કૃતિ સેનન, સારા અલી ખાન, મૃણાલ ઠાકુર, અમૃતા ખાનવિલકર જેવા કલાકારો જોવા મળશે.

(ફોટો: ફાઈલ)