તેહરાન, 7 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફના અત્યંત ગુપ્ત અને વિવાદાસ્પદ મેસેજ લીક થતા ખળભળાટ મચ્યો છે. એક પ્રાઈવેટ ટેલિગ્રામ ગ્રુપમાંથી બહાર આવેલા આ મેસેજમાં ઝરીફે ઈરાનની યુદ્ધ રણનીતિને લઈને અનેક ગંભીર સૂચનો કર્યા છે, જેમાં અમેરિકી નૌકાદળના જહાજો અને ઈઝરાયેલના હિતો પર સીધા હુમલાની વાત કરવામાં આવી છે.
લીક થયેલા અહેવાલો મુજબ, ઝરીફે પોતાના મેસેજમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, UAE અને ઈઝરાયેલ એક જ સિક્કાની બે બાજુ છે. તેમણે સૂચવ્યું હતું કે ઈરાને અમેરિકા અને ઈઝરાયેલના વ્યૂહાત્મક લક્ષ્યો પર હુમલો કરવો જોઈએ. આ ઉપરાંત, પ્રાદેશિક સ્તરે ડર પેદા કરવા માટે સાઉદી અરેબિયા અને બહેરીનને જોડતા મહત્વના બ્રિજને પણ નિશાન બનાવવાની હિમાયત કરી છે.
પૂર્વ વિદેશ મંત્રીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે લખ્યું છે કે, ટ્રમ્પ લાંબા અને ટેકનિકલ પ્લાન માટે ધીરજ ધરાવતા નથી. તેથી તેમને ‘સિમ્બોલિક જેસ્ચર’ (પ્રતીકાત્મક હાવભાવ) દ્વારા જીતનો અહેસાસ કરાવીને યુદ્ધ ટાળી શકાય છે. ઝરીફના મતે તેમણે અગાઉ આવા અનેક પ્રસ્તાવ મૂક્યા હતા જેનાથી ટ્રમ્પને પોતાની જીત લાગે અને સંઘર્ષ અટકે, પરંતુ તે પ્રસ્તાવોની સમીક્ષા કરવામાં આવી ન હતી.
આ લીક થયેલા સંદેશાઓમાં ઝરીફે ધાર્મિક અપીલ અને રહસ્યમય દાવાઓનો પણ સહારો લીધો છે. તેમણે લખ્યું છે કે, એક ચીની જ્યોતિષની ભવિષ્યવાણી મુજબ ટ્રમ્પની હાર માટે પ્રાર્થના કરવી જોઈએ. એટલું જ નહીં, તેમણે ટ્રમ્પ અને નેતન્યાહુની ‘શેતાની યોજનાઓ’ને ખતમ કરવા માટે ખાસ પ્રકારની નમાઝ વારંવાર પઢવા પર પણ ભાર મૂક્યો છે.
આંતરિક મોરચે ઝરીફે અધિકારીઓને અપીલ કરી છે કે, માત્ર વાતોથી નહીં પણ કામથી જનતાના દિલ જીતવા જોઈએ. કોઈ ખાસ જૂથની માંગણીઓ પૂરી કરવા માટે જનતાને ઉશ્કેરવી ન જોઈએ. જોકે, હજુ સુધી આ લીક થયેલા મેસેજની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ ખુલાસાએ વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા છેડી દીધી છે.
આ પણ વાંચોઃ અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં 1332 નાગરિકોના મોત થયાનો UNમાં ઈરાનનો દાવો

