Site icon Revoi.in

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર અપાયુ, રાજઘાટ ઉપર ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Social Share

નવી દિલ્હીઃ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનથી પુતિન રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે બેઠક મળશે. જેમાં યુદ્ધ સહિતના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. તેમજ બંને દેશ વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં બેઠક થાય તે પહેલાં જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાએ ભારતને આર્કટિક શિપ બિલ્ડિંગ (જહાજ નિર્માણ) માં જોડાવાની મોટી ઓફર કરી છે. રશિયાના આઇસ બ્રેકર (બરફ તોડતા જહાજો) અને ભારતની જહાજ નિર્માણ ક્ષમતાને જોડીને સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રશિયાના આઇસ બ્રેકરને લઈને ચર્ચા કરી હતી.

પુતિનના પ્રવાસને લઈને ભાજપના સાંસદ દર્શન સિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે, “ભારત અને રશિયાના સંબંધો હંમેશાથી મિત્રતાપૂર્ણ રહ્યા છે. જ્યારે ભારત નબળું હતું, ત્યારે પણ રશિયાએ આપણો સાથ આપ્યો હતો. રશિયા ભારતના સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. હવે જ્યારે ભારત વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો આ પ્રવાસ આપણા સૌ માટે ગૌરવની વાત છે. ભલે તે સંરક્ષણ (ડિફેન્સ) હોય કે અન્ય ક્ષેત્રો, અમારા રશિયા સાથે સારા સંબંધો જળવાઈ રહેશે.”

Exit mobile version