નવી દિલ્હી, 21મી જાન્યુઆરી 2026: સ્પેનના વિદેશ, યુરોપિયન યુનિયન અને સહકાર મંત્રી જોસ મેન્યુઅલ અલ્બારેસે આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અલ્બારેસનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને સ્પેન વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે, જે વેપાર, સંસ્કૃતિ અને લોકશાહી તથા બહુત્વવાદના સહિયારા મૂલ્યો દ્વારા સમૃદ્ધ થયા છે. તેમણે નોંધ્યું હતું કે આ વર્ષ આપણા રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ છે, જેને ‘ઈન્ડિયા-સ્પેન ડ્યુઅલ યર ઓફ કલ્ચર, ટુરિઝમ એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ઉજવીને ચિહ્નિત કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને સ્પેન વચ્ચે સતત વિકસતા આર્થિક સંબંધો છે, જેમાં વેપાર અને રોકાણ વિસ્તરી રહ્યા છે. તેમણે કહ્યું કે એન્જિનિયરિંગ, રેલવે, અક્ષય ઊર્જા, શહેરી સેવાઓ અને સંરક્ષણ એરોસ્પેસમાં સ્પેનની શક્તિઓ ભારતના વિકાસની પ્રાથમિકતાઓને પૂરક બનાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત-EU FTA પર હસ્તાક્ષર થવાથી બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો વધુ મજબૂત થશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બહુપક્ષીયવાદના મજબૂત અનુયાયીઓ તરીકે, ભારત અને સ્પેને વિશ્વભરમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાના આપણા સહિયારા લક્ષ્યોને આગળ વધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને G-20 જેવા બહુપક્ષીય મંચો પર સાથે મળીને કામ કરવું જોઈએ.
રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને સ્પેન આતંકવાદના જોખમનો સામનો કરવા માટે સહિયારું વલણ ધરાવે છે, જે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો બની રહ્યો છે. તેમણે કહ્યું કે આપણે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સાથે મળીને લડવા માટે આપણા સંસાધનો અને ક્ષમતાઓને એકત્ર કરવી જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે યુરોપ અને યુરોપિયન યુનિયન સાથે ભારતના સંબંધો સતત વધી રહ્યા છે, અને અમે અમારા 77મા પ્રજાસત્તાક દિવસ માટે મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખનું સ્વાગત કરવા આતુર છીએ.
આ પણ વાંચોઃ AI શક્તિ અર્થશાસ્ત્ર અને તેના ઉપયોગમાંથી આવે છે, મોડેલના કદમાંથી નહીં :વૈષ્ણવ

