Site icon Revoi.in

ખામેનેઈના મોતના વિરોધમાં કરાચીથી પીઓકે સુધી તોફાનો, 35ના મોત

Social Share

ઈસ્લામાબાદ, 2 માર્ચ 2026: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા તથા સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ પાકિસ્તાન સળગી ઉઠ્યું છે. પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 35 નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ગોળીબાર થતા મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે. સત્તાવાર પુષ્ટિ બાકી હોવા છતાં, આંકડાઓ અત્યંત ડરામણા છે. કરાચીમાં સૌથી વધારે 16, ગિલગિટમાં 7 તથા સ્કર્દૂ અને ઈસ્લામાબાદમાં 6-6 વ્યક્તિના મોત થયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળો અને અમેરિકન મરીન સિક્યુરિટી ટુકડીની કાર્યવાહી દરમિયાન આ જાનહાનિ થઈ છે.

પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પંજાબ સરકારે પ્રાંતની તમામ હોસ્પિટલોમાં ‘મેડિકલ ઈમરજન્સી’ જાહેર કરી દીધી છે. અન્ય પ્રાંતોમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને શિયા મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભારે પોલીસ કાફલો તૈનાત છે. ચોંકાવનારી વાત એ છે કે, ઈસ્લામાબાદ અને અન્ય રાજ્યોની હોસ્પિટલોને મૃતકો અને ઘાયલોના વાસ્તવિક આંકડા જાહેર ન કરવા માટે ગુપ્ત સૂચનાઓ આપવામાં આવી હોવાનો દાવો મીડિયા રિપોર્ટ્સમાં કરાયો છે. શરૂઆતી આંકડા બહાર આવ્યા બાદ હવે હોસ્પિટલ પ્રશાસન મૌન સેવી રહ્યું છે.

પાકિસ્તાનમાં વણસતી સ્થિતિને જોતા અમેરિકી દૂતાવાસે તેના નાગરિકો માટે ચેતવણી જારી કરી છે. કરાચી, લાહોર, પેશાવર અને ઈસ્લામાબાદમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસોની બહાર ઉગ્ર પ્રદર્શનો થઈ રહ્યા છે. દૂતાવાસે અમેરિકી નાગરિકોને ભીડભાડ વાળા વિસ્તારોથી દૂર રહેવા અને સતત સ્થાનિક સમાચારના સંપર્કમાં રહેવા સલાહ આપી છે.

આ પણ વાંચોઃ આણંદ કૃષિ યુનિવર્સિટીએ સ્ટાફ ટુર્નામેન્ટમાં સિદ્ધિ મેળવી

Exit mobile version