Site icon Revoi.in

પાકિસ્તાનને રશિયાનો ઝટકો: ભારત સાથેના વિવાદમાં મધ્યસ્થી કરવાનો ઇનકાર

Social Share

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: આતંકવાદના મુદ્દે વિશ્વભરમાં ઘેરાયેલા પાકિસ્તાનને હવે તેના જૂના મિત્ર રશિયા પાસેથી પણ નિરાશા સાંપડી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતા રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મામલે મધ્યસ્થીની ભૂમિકા ભજવશે નહીં. રશિયન વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે, બંને દેશોએ પોતાના વિવાદો દ્વિપક્ષીય રીતે જ ઉકેલવા જોઈએ.

ભારત અને અફઘાનિસ્તાન સાથેના પાકિસ્તાનના બગડતા સંબંધો પર રશિયાની રાય પૂછવામાં આવતા રશિયન વિદેશ મંત્રાલયે તેના વેબ પોર્ટલ પર સ્પષ્ટ કર્યું કે, “રશિયા મધ્યસ્થ તરીકે કાર્ય કરતું નથી.” રશિયાએ મોસ્કોના એ જૂના સ્ટેન્ડને દોહરાવ્યું છે કે ઇસ્લામાબાદે 1972ના શિમલા કરાર અને 1999ના લાહોર જાહેરનામાની ભાવનાને અનુરૂપ દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ ઉકેલ લાવવો જોઈએ. આ નિવેદન ભારત માટે મોટો કૂટનીતિક ટેકો માનવામાં આવે છે.

રશિયાએ ઉમેર્યું હતું કે, જો સંબંધિત દેશો પોતે ખાસ વિનંતી કરે, તો જ રશિયા કોઈપણ મતભેદ ઉકેલવામાં સહાય પૂરી પાડવા તૈયાર છે. પાકિસ્તાન માટે આ એક કડક સંદેશ છે કે, તે તણાવના ઉકેલ માટે બીજા દેશોના દરવાજા ખટખટાવવાને બદલે સીધી વાતચીત પર ધ્યાન આપે. વર્ષ 2025માં રશિયા અને પાકિસ્તાન વચ્ચે એસસીઓ (SCO) સમિટ દરમિયાન પુતિન અને શહબાઝ શરીફની મુલાકાત સહિત અનેક બેઠકો થઈ છે. રશિયાએ પાકિસ્તાન સાથેના આર્થિક પ્રોજેક્ટ્સ વિશે પણ માહિતી આપી છે:

રશિયા અને પાકિસ્તાન વચ્ચે 2030 સુધીના વ્યાપારિક સહયોગના કાર્યક્રમને મંજૂરી મળવાની અપેક્ષા છે. રશિયાના તાતારસ્તાન અને પ્રિમોસ્કી ક્રાફ જેવા પ્રદેશો પાકિસ્તાની પ્રાંતો સાથે સીધો સહયોગ વધારવામાં રસ દાખવી રહ્યા છે. જોકે, આર્થિક સહયોગ વધવા છતાં, ભારત સાથેના મુદ્દે રશિયાએ પાકિસ્તાનનો સાથ આપવાને બદલે ભારતની દ્વિપક્ષીય વાટાઘાટોની નીતિનું જ સમર્થન કર્યું છે.

આ પણ વાંચોઃ યુઝર પ્રાઈવસી પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: WhatsApp-Metaને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ

Exit mobile version