Site icon Revoi.in

એસ. જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાન મુદ્દે ચર્ચા થઈ

Social Share

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં સતત બગડતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સાર વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. મંગળવારે થયેલી આ ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ઈરાન, લેબનોન અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’માં સુરક્ષાના પડકારો પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ વાતચીતની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયની સુરક્ષા માટે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવું ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, “મેં ડો. જયશંકર સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકાએ ઈરાનમાં યુરેનિયમ સંવર્ધન રોકવા અને સંવર્ધિત સામગ્રીને હટાવવા જેવી શરતો પર મક્કમ રહેવું જોઈએ.”

સારે વધુમાં જણાવ્યું કે, ઈરાન દ્વારા સમુદ્રી માર્ગોમાં ઉભી કરવામાં આવતી અડચણો વૈશ્વિક અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડી રહી છે. ભારત અને અખાતી દેશો સહિત તમામ રાષ્ટ્રોના વેપારી જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ શકે તે માટે હવે નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે. બીજી તરફ, ભારત પણ આ ક્ષેત્રમાં શાંતિ અને ભારતીયોની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે કુવૈત અને સિંગાપોરના વિદેશ મંત્રીઓ સાથે પણ વાતચીત કરી હતી. કુવૈતના વિદેશ મંત્રી શેખ જરાહ જાબેર અલ-અહમદ અલ-સબાહ સાથેની વાતચીતમાં પશ્ચિમ એશિયાના સંકટની સાથે ત્યાં વસતા ભારતીય સમુદાયના કલ્યાણ અને સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણન સાથેની ચર્ચા પશ્ચિમ એશિયાના સંઘર્ષની આંતરરાષ્ટ્રીય અસરો પર કેન્દ્રિત રહી હતી.

Exit mobile version