Site icon Revoi.in

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીર સોમનાથના તમિલ પરિવારોની ગરબે ઘૂમી નવ વર્ષની ઉજવણી

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી અને ગરબે ઘૂમીને પોતાના બંધુઓને આવકારવા માટે ઉત્સાહ દાખવ્યો હતો.

મૂળ તમિલનાડુના પરંતુ દાયકાઓથી ત્યાંથી અહીં ગીર સોમનાથને કર્મભૂમિ બનાવી રહેતા તમિલ પરિવારે રંગેચંગે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની ઉજવણી કરી હતી. સ્ત્રીઓએ માથામાં ફૂલની વેણી અને સાડી, તો પુરૂષોએ પરંપરાગત લૂંગી-ખેસ સહિત તમિલ સંસ્કૃતિ દર્શાવતા વસ્ત્રો ધારણ કરી અને રંગેચંગે પોતાના વતનને યાદ કરી ઉત્સવની ઉજવણી કરી હતી.

દાયકાઓથી અહીં વસવાટ કરતા તમિલ પરિવારમાંથી કોઈ માછીમારી તો કોઈ ઈડલી-ઢોસાની લારી, કોઈ સુતારીકામ તો કોઈ લુહારીકામ સાથે પણ સંકળાયેલા છે. તમિલ પરિવારના અહીં આશરે 48 જેટલા કુટુંબ છે જેના 300 જેટલા સભ્યો તહેવારોની ઉજવણીથી લઈને વ્યવસાય એમ તમામ મોરચે સમગ્ર રીતે ગુજરાતી બન્યા છે.

સોમનાથમાં વસતા તમિલ પરિવારોએ નવ વર્ષની ઉજવણી નિમિત્તે તમામ ઘરે સુંદર મજાની રંગોળી કરી હતી અને રંગોળીની મધ્યમાં દિવાઓ પ્રગટાવી આરાધ્યદેવ પ્રત્યે શ્રદ્ધા દર્શાવી હતી. ‘પૂથાંડુ વઝથુકલ’નો શુભ દિવસ સમગ્ર તમિલનાડુમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. અહીં વસતા પરિવારોએ એ રીતે ઉજવણી કરી હતી જાણે એવું જ દ્રશ્યમાન થતું હતુ કે સમગ્ર તમિલ જ સૌરાષ્ટ્રમાં ઉભું થયું હોય હતું.