નવી દિલ્હી, 27 માર્ચ 2026: ડિજિટલ મનોરંજનના યુગમાં શ્રવણ અને દ્રષ્ટિની ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ પણ ફિલ્મો અને વેબ સિરીઝનો આનંદ માણી શકે તે માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઓટીટી (Over-The-Top) પ્લેટફોર્મ્સ માટે નવી ‘એક્સેસિબિલિટી માર્ગદર્શિકા’ જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો મુજબ, હવે ઓટીટી પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થતી સામગ્રીમાં દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ આપવી ફરજિયાત બનશે.
માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, ઓટીટી પ્લેટફોર્મ પર પ્રકાશિત થતી તમામ નવી સામગ્રીમાં કેટલીક સુવિધાઓ હોવી અનિવાર્ય છે. શ્રવણ-ક્ષતિ ધરાવતા પ્રેક્ષકો માટે ક્લોઝ્ડ કેપ્શનિંગ, ઓપન કેપ્શનિંગ અથવા ઇન્ડિયન સાઇન લેંગ્વેજ (ભારતીય સાંકેતિક ભાષા) માંથી ઓછામાં ઓછી એક સુવિધા આપવી પડશે. દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા પ્રેક્ષકો માટે વિઝ્યુઅલ કન્ટેન્ટને સમજવા માટે ‘ઓડિયો ડિસ્ક્રિપ્ટર્સ’ (દ્રશ્યોનું શ્રાવ્ય વર્ણન) ની સુવિધા ફરજિયાત કરવામાં આવી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ માર્ગદર્શિકાનો હેતુ ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટને દરેક વર્ગ માટે સુલભ બનાવવાનો છે. આ માટે મંત્રાલયે ચોક્કસ અમલીકરણ સમયપત્રક પણ તૈયાર કર્યું છે, જે મુજબ પ્લેટફોર્મ્સે પોતાની સામગ્રીમાં આ ફેરફારો કરવાના રહેશે. મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર આ અંગેની વિસ્તૃત વિગતો જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. સરકારના આ પગલાથી લાખો દિવ્યાંગો જેઓ અત્યાર સુધી ભાષા કે દ્રશ્યોના અભાવે ડિજિટલ મનોરંજનથી વંચિત રહેતા હતા, તેઓ હવે મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકશે. નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી ભારતીય ડિજિટલ મીડિયા વધુ સર્વસમાવેશક બનશે અને વિશ્વ સ્તરે ભારતના કન્ટેન્ટની સ્વીકાર્યતા પણ વધશે.
આ પણ વાંચોઃ વાવ-થરાદના નાણી ગામે PM મોદીની સભાને લીધે મંત્રીઓએ આગોતરી તૈયારીની કરી સમીક્ષા

