અમદાવાદ, 31 માર્ચ 2026: ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મંગળવારે સાણંદ ખાતે ‘કેયન્સ સેમિકોન’ના OSAT પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2026 સુધીમાં ભારતમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ જવાની અપેક્ષા છે. આ વિકાસ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા અને આત્મનિર્ભરતાનું નવું પ્રતીક બનશે.
કેન્દ્રીય મંત્રીએ ભારતનો રોડમેપ સ્પષ્ટ કરતા કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું લક્ષ્ય 2032 સુધીમાં વિશ્વના ટોચના છ સેમિકન્ડક્ટર ઉત્પાદક દેશોમાં અને આઝાદીના અમૃતકાળ એટલે કે 2047 સુધીમાં ટોચના ત્રણ દેશોમાં સામેલ થવાનું છે.” તેમણે ઉમેર્યું કે સાણંદ ખાતેનો આ નવો પ્લાન્ટ દેશનો બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, જેણે માત્ર 14 મહિનાના ટૂંકા ગાળામાં પાયાથી લઈને ઉત્પાદન સુધીની સફર ખેડી છે. વર્ષ 2027માં વધુ બે પ્લાન્ટનું કામ પૂર્ણ થશે. જુલાઈ 2026માં દેશના 6ીજા પ્લાન્ટનું ઉદ્ગાટન કરવામાં આવશે. વર્ષ 2028માં ધોલેરા ખાતે ભારતનું પ્રથમ ફેબ્રિકેશન યુનિટ શરૂ થશે.
અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે, એનવીડિયા, એએમડી અને ઈન્ટેલ જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ હવે ભારતમાં એડવાન્સ ચિપ ડિઝાઇનિંગનું કામ કરી રહી છે. ભારતમાં હાલ 2 નેનોમીટરની અત્યંત જટિલ ચિપ્સ ડિઝાઇન કરવામાં આવી રહી છે. ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના અભિગમ સાથે ભારત હવે માત્ર એસેમ્બલી જ નહીં પણ સંશોધન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે.
સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકારના પ્રયાસો અંગે તેમણે માહિતી આપી હતી કે, 315 યુનિવર્સિટીઓના આશરે 60 હજાર યુવા એન્જિનિયરોને વૈશ્વિક સ્તરના સોફ્ટવેર અને ટૂલ્સમાં તાલીમ આપવામાં આવી છે. આગામી તબક્કામાં મશીનરી, રસાયણો, ગેસ અને ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સમગ્ર ઇકોસિસ્ટમ ભારતની ધરતી પર જ ઉપલબ્ધ થાય તેવો વડાપ્રધાનનો નિર્દેશ છે. વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે ભારતે ગુણવત્તા અને ખર્ચના મોરચે શ્રેષ્ઠતા સાબિત કરવી પડશે, જેના માટે સરકાર મક્કમ છે.
સાણંદમાં બીજા પ્લાન્ટના પ્રારંભ સાથે જ દેશના એન્જિનિયરો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે ભારતને ડિજિટલ પાવરહાઉસ બનાવવામાં મહત્વનું યોગદાન આપશે.

