મુંબઈ, 2 એપ્રિલ 2026: ભારતીય ચલણ રૂપિયાએ તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી શાનદાર વાપસી કરી છે. ગુરુવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 151 પૈસા મજબૂત થયો હતો. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ‘ઓનશોર ફોરવર્ડ ડિલિવરી માર્કેટ’માં બેંકોની નેટ ઓપન પોઝિશન મર્યાદિત કરવાના લેવાયેલા ત્વરિત નિર્ણયને કારણે આ ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ટરબેંક વિદેશી મુદ્રા બજારમાં ગુરુવારે રૂપિયો 94.62 ના સ્તરે ખુલ્યો હતો અને જોતજોતામાં 1.6 ટકા (151 પૈસા) વધીને 93.19 પર પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે રૂપિયો 94.84 ના ઐતિહાસિક નીચલા સ્તરે બંધ થયો હતો અને સોમવારે તે 95 ની ચિંતાજનક સપાટી પણ વટાવી ગયો હતો.
રૂપિયાના ધોવાણને અટકાવવા માટે આરબીઆઈએ સીધો હસ્તક્ષેપ કર્યો છે. 27 માર્ચ, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા સર્ક્યુલર મુજબ, બેંકો માટે ‘નેટ ઓપન પોઝિશન’ની મર્યાદા 10 કરોડ ડોલર નક્કી કરવામાં આવી છે. તમામ બેંકોએ 10 એપ્રિલ સુધીમાં આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે. રૂપિયાને નીતિગત ટેકો મળ્યો હોવા છતાં, મેક્રો-ઇકોનોમિક પડકારો હજુ પણ યથાવત છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં બ્રન્ટ ક્રૂડ 4.84 ટકા ઉછળીને 106.06 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જે ભારત માટે મોંઘવારીનો સંકેત છે.
કાચા તેલની ઊંચી કિંમત, વધતી જતી વેપાર ખાધ અને સતત થઈ રહેલી એફપીઆઈ વેચવાલી રૂપિયા પર દબાણ લાવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા બાદ રૂપિયામાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેમ જાણકારોનું માનવુ છે. બીજી તરફ વૈશ્વિક પડકારો વચ્ચે સ્થાનિક અર્થતંત્ર માટે સારા સમાચાર છે. માર્ચ મહિનામાં જીએસટીની આવકમાં 9 ટકાનો વધારો નોંધાયો છે. ટેક્સ કલેક્શન 2 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે, જે નાણાકીય વર્ષ 2025-26ની ત્રીજી સૌથી મોટી માસિક વસૂલાત છે.
નિષ્ણાતોનો મતે, આરબીઆઈના હસ્તક્ષેપથી રૂપિયામાં રિકવરી તો આવી છે, પરંતુ 106 ડોલરને પાર કરી ગયેલું ક્રૂડ ઓઈલ ભારતનું આયાત બિલ વધારી શકે છે. આગામી સમયમાં રૂપિયાની સ્થિરતા પશ્ચિમ એશિયાના તણાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની બજારમાં વાપસી પર નિર્ભર રહેશે.

