કોલકાતા, 8 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી જ મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કરી હતી.
આ અગાઉ આજે બપોરે કોલકાતા પહોંચેલા અમિતભાઈ શાહે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને સૌની સાથે ચર્ચા કર્યા બાદ, ભાજપ વિધાયક દળની બેઠકમાં સુવેન્દુ અધિકારીની પક્ષના વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના આગામી CM શુભેન્દુ અધિકારી હશે, આ નિર્ણય BJP વિધાયક દળની બેઠકમાં લેવામાં આવ્યો છે. તેમના નામ પર તમામ ધારાસભ્યોએ સહમતિ આપી છે અને હવે તેઓ થોડી વારમાં રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શુભેન્દુ અધિકારીની CM તરીકેની પસંદગી ઐતિહાસિક રહી, કારણ કે પાર્ટીની આ વિધાયક દળની બેઠકમાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિરીક્ષક (ઓબ્ઝર્વર) તરીકે હાજર રહ્યા હતા.
કોલકાતામાં આવતીકાલે યોજાશે ભવ્ય શપથગ્રહણ સમારંભ
રાજ્યપાલ તરફથી સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ શનિવારે સવારે 11 વાગ્યે કોલકાતામાં શુભેન્દુ અધિકારીનો ભવ્ય શપથગ્રહણ સમારંભ યોજાશે. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બે-તૃત્યાંશથી વધુની પ્રચંડ બહુમતી મળી છે અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
બંગાળમાં નવી સરકાર, નવી સંસ્કૃતિનો ઉદય
પશ્ચિમ બંગાળમાં નવી સરકાર સાથે નવી સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે. આ અગાઉ ગઈકાલે 7 મેના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલે 17મી વિધાનસભાનું વિસર્જન કર્યું હતું, જેની સાથે જ મમતા બેનર્જી સરકાર પણ બરતરફ થઈ ગઈ હતી. મમતા બેનર્જીએ CM પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ જ્યારે 17મી વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થયો ત્યારે રાજ્યપાલે તેને વિસર્જિત કરી દીધી હતી. હવે નવી સરકારની રચનાનો રસ્તો સાફ છે. શનિવારે શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના શપથ લેશે.
શુભેન્દુને મુખ્યમંત્રી બનાવવાનાં મુખ્ય કારણો
શુભેન્દુ અધિકારી એ નેતા છે જેમણે એક વાર નહીં પણ 2-2 વાર TMC સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા છે. 2021 માં નંદીગ્રામમાં હરાવ્યા અને આ વખતે મમતાના ગઢ ભવાનીપુરમાં જઈને પણ મમતા બેનર્જીને મ્હાત આપી. ત્યારબાદ શુભેન્દુની દાવેદારી વધુ મજબૂત બની હતી. શુભેન્દુ અધિકારી ભાજપની જીતના આર્કિટેક્ટ પણ માનવામાં આવે છે, જેમણે ભાજપનો આંકડો 207 સુધી પહોંચાડી દીધો. તેઓ વિરોધ પક્ષના નેતા રહ્યા છે અને સાથે જ તેમની પાસે વહીવટી અનુભવ પણ છે. તેઓ PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ પણ છે.

