ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં અભિનેતા અને રાજકારણી વિજયની રેલી દરમિયાન સર્જાયેલી ભાગદોડની ઘટના અંગે હવે CBI તપાસ થશે. સુપ્રીમ કોર્ટએ TVK દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં CBI તપાસના આદેશ સાથે પૂર્વ ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની સીબી તપાસની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
TVK પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિની દેખરેખ હેઠળ થાય, કારણ કે તમિલનાડુ પોલીસે રચેલી વિશેષ તપાસ ટીમ (SIT) પર જનતાનો વિશ્વાસ નથી. પાર્ટીએ આ પણ આક્ષેપ કર્યો હતો કે આ ભાગદોડ પૂર્વયોજિત સાજિશનો ભાગ હોઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, પૂર્વ ન્યાયમૂર્તિ અજય રસ્તોગી હવે CBI તપાસની દેખરેખ રાખશે. TVKના સચિવ આધવ અર્જુનાએ આ અરજી દાખલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મદ્રાસ હાઈકોર્ટએ અગાઉ આ મામલે SITની રચના કરી હતી, પરંતુ TVKએ તે નિર્ણયને પડકાર્યો હતો. ભાગદોડ બાદ પોલીસે TVKના નેતાઓ સામે ગંભીર ગુના નોંધ્યા છે.
કરૂર (ઉત્તર) જિલ્લા સચિવ માધિયાઝગન, જનરલ સેક્રેટરી બસી આનંદ અને જોઈન્ટ જનરલ સેક્રેટરી CTR નિર્મલકુમાર સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકવાના આરોપો હેઠળ FIR નોંધાઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં કોઈ ઈન્ટેલિજન્સ નિષ્ફળતા નહોતી. રેલીમાં અભિનેતા વિજય મોડા પહોંચ્યા હતા, જેના કારણે લોકો ઘણા કલાકોથી રાહ જોઈ રહ્યા હતા અને ઉત્સાહિત ભીડ બેકાબૂ બની ગઈ હતી.
પોલીસ અધિકારીઓએ આયોજકોને કહ્યું હતું કે, વિજયની વિશેષ રેલીને નિર્ધારિત સ્થળથી ઓછામાં ઓછા 50 મીટર પહેલાં રોકી દેવી જોઈએ, પરંતુ આયોજકોએ બસને નક્કી કરેલી જગ્યાએ જ ઉભી રાખી હતી. પોલીસના જણાવ્યા મુજબ, “નેતા 10 મિનિટ સુધી બસમાંથી બહાર આવ્યા નહીં, જેના કારણે ભીડ ઉત્સાહમાં આવી ગઈ અને લોકો તેમને જોવા માટે ધક્કામુક્કી કરી હતી”