શિલોંગ, 11 જૂન 2026: ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના મુદ્દે ફરી એકવાર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં આવેલા મહેન્દ્રગંજ (નંદિર ચાર સેક્ટર) ખાતે સીમા સુરક્ષા બળ (બીએસએફ) દ્વારા અટકાયતમાં લેવાયેલા એક શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકને પરત મોકલવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે ગતિરોધ ઉભો થયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશેલા આ શંકાસ્પદ શખ્સે પૂછપરછ દરમિયાન પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ બીએસએફ દ્વારા નિર્ધારિત પ્રક્રિયા હેઠળ તેને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યો હતો. જોકે, સરહદ પર તૈનાત ‘બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ’ અને ત્યાંના સ્થાનિક નાગરિકોએ આ વ્યક્તિનો સ્વીકાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. બાંગ્લાદેશના આ વલણને કારણે તે વ્યક્તિ હાલ સરહદની કાંટાળી વાડની પેલે પાર (નો મેન્સ લેન્ડ પર) ફસાયેલો છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે બીએસએફ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
સરહદ પર સર્જાયેલી આ સંવેદનશીલ પરિસ્થિતિ પર ભારતીય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં સરહદી વિસ્તારમાં ભારે હલચલ અને તણાવપૂર્ણ માહોલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, વહીવટીતંત્ર કે સુરક્ષા દળો દ્વારા આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી અને શંકાસ્પદ નાગરિકોને પરત મોકલવા અંગેના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઘટનાઓને પગલે બંને દેશો વચ્ચે પરસ્પર તાલમેલ અને પ્રત્યાર્પણ પ્રક્રિયાને મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલ પૂરતું બાંગ્લાદેશે આ વ્યક્તિને પોતાના કબજામાં ન લેતાં, તેના કાનૂની દરજ્જા અંગે અનિશ્ચિતતા અને કાનૂની ગૂંચવાડો ઊભો થયો છે.
(PHOTO-FILE)

