Site icon Revoi.in

GCCIના નેજા હેઠળ ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવની 5મી આવૃત્તિ 4 જુલાઈએ યોજાશે

The 5th edition of Textile Leadership Conclave under the aegis of GCCI will be held on July 4. picture by Alkesh Patel

The 5th edition of Textile Leadership Conclave under the aegis of GCCI will be held on July 4. picture by Alkesh Patel

Social Share

[અલકેશ પટેલ] અમદાવાદ, 2 જુલાઈ, 2026 – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ‘ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2026’ યોજવાની આજે અહીં જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા જીસીસીઆઈના પ્રેસિડેન્ટ શ્રી સંદિપ એન્જિનિયર ઉપરાંત ટેક્સટાઈલ સમિતિના સર્વ શ્રી સૌરિન પરીખ, સંદીપ શાહ, નિરજ શાહ તથા ગૌરાંગ ભગતે માહિતી આપી હતી કે, GCCI ટેક્સટાઇલ કમિટી દ્વારા આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમ શનિવાર, 4 જુલાઈ 2026ના રોજ બપોરે 3:00 વાગ્યાથી સુલિનેર (Soulinaire), ઝાયડસ હોસ્પિટલ રોડ, થલતેજ, અમદાવાદ ખાતે યોજાશે.

ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ એ ભારતનું અગ્રણી પ્લેટફોર્મ છે, જે જીનિંગ, સ્પિનિંગ, વીવિંગ અને પ્રોસેસિંગથી લઈને ગારમેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદન સુધીની સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનના મુખ્ય હિતધારકોને સફળતાપૂર્વક એકમંચ પર લાવે છે. આ પાંચમી આવૃત્તિનો ઉદ્દેશ્ય ગહન વ્યૂહાત્મક સંવાદોને પ્રોત્સાહન આપવાનો, ઉદ્યોગની અદ્યતન બાબતોને બધા સુધી પહોંચાડવાનો તથા આ ક્ષેત્રના સફળ દિગ્ગજો સાથે ઉભરતા અગ્રણીઓ તેમજ ગતિશીલ વ્યાવસાયિકોને જોડીને પેઢીઓ વચ્ચેના અનુભવોના સેતુનું નિર્માણ કરવાનો છે.

GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, આ કોન્ક્લેવ ટેક્સટાઇલ ક્ષેત્રમાં હંમેશા પ્રગતિશીલ વિચારો અને વ્યવહારુ બ્લુપ્રિન્ટ માટે મુખ્ય પ્રાત્સાહક સાબિત થઈ છે. 2026ની આવૃત્તિની અંતિમ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય બિઝનેસ મોડલ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા, ઉદ્યોગની નિરંતર પ્રગતિને વધાવવાનો તથા વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે ગુજરાત અને ભારતને એક મજબૂત લીડર તરીકે સ્થાપિત કરવા માટે સહયોગી ઇકોસિસ્ટમનું સંચાલન કરવાનો છે. તેમણે ઉમેર્યું કે આ સીમાચિહ્નરૂપ સંમેલન જ્ઞાનના આદાન-પ્રદાન, ઉચ્ચ પ્રભાવશાળી નેટવર્કિંગ અને વ્યાપક વ્યાપારી વિકાસની તકો ઊભી કરીને ઉદ્યોગોને સશક્ત બનાવવા માટેની GCCI ની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણો

જેન ઝી સાથે સંવાદ (Gen Z in Conversation): બદલાતા પ્રવાહો, આધુનિક ગ્રાહક વર્તણૂક અને ટકાઉ (સસ્ટેનેબલ) ટેકનોલોજીના સમન્વય અંગે શ્રી પુનિત લાલભાઈ (વાઈસ ચેરમેન, અરવિંદ લિમિટેડ) સાથે ઊંડાણપૂર્વકની ચર્ચા કરતો અત્યંત ઇન્ટરેક્ટિવ અને ભવિષ્યલક્ષી સેગમેન્ટ.
વિઝનરીઝ સ્પીક – પડકારોથી સફળતા સુધી: ઉદ્યોગના દિગ્ગજો તેમની વિશિષ્ટ સાહસિક સફર, અભૂતપૂર્વ વ્યૂહરચનાઓ અને પડકારોને કરોડો ડૉલરની સફળતામાં બદલવાના સફળ પ્રયાસોની વાત કરશે. આ અગ્રણી વક્તાઓમાં સામેલ છે:

o શ્રી દિનેશ નોલખા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, નિતિન સ્પિનર્સ લિમિટેડ
o શ્રી રામચંદ્ર અગ્રવાલ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, V2 રિટેલ લિમિટેડ

આ ઉપરાંત શ્રી સંદીપ એન્જિનિયર પણ ધ એસ્ટરલ સ્ટોરી શીર્ષક હેઠળ તેમના સંઘર્ષ અને સફળતાથી ગાથા રજૂ કરશે.

કોન્ક્લેવ દરમિયાન અન્ય મહત્ત્વની ઈવેન્ટ્સ

ફેશન સિક્વન્સ: ગુજરાતની ઉત્પાદન ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરતા અદ્યતન ટેક્સટાઇલ બ્લેન્ડ્સ, આધુનિક ડિઝાઇન્સ અને વેલ્યુ-એડેડ ગારમેન્ટ્સનું પ્રદર્શન કરતી ક્યુરેટેડ સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ફેશન સિક્વન્સની શ્રેણી.
હાઇ-ઇમ્પેક્ટ નેટવર્કિંગ: ટેક્સટાઇલ ક્ષેત્રના વિવિધ સેગમેન્ટ્સમાં મજબૂત B2B સહયોગ, સંયુક્ત સાહસો અને વ્યૂહાત્મક જોડાણોને પ્રોત્સાહન આપવા માટે ખાસ ડિઝાઈન કરાયેલા પ્રોફેશનલ નેટવર્કિંગ સેશન્સ.

આ 5મી આવૃત્તિમાં સમગ્ર ગુજરાત અને દેશભરના વિવિધ ટેક્સટાઇલ હબમાંથી 700થી વધુ વિશેષ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાની ધારણા છે, જેમાં પ્રોસેસ હાઉસ, સ્પિનિંગ મિલ્સ, એપેરલ બ્રાન્ડ્સ અને મશીનરી ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

ભૂતકાળની ભવ્ય કોન્ક્લેવ પર એક નજર

2022ની 23 એપ્રિલે યોજાયેલી પ્રથમ ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ દરમિયાન 27 અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક ટેક્સટાઇલ્સ એસોસિએશનના નેતાઓને વરિષ્ઠ નીતિ નિર્માતાઓ સાથે સીધા સંવાદ માટે એક મંચ પૂરો પાડ્યો હતો, જેમાં તત્કાલીન કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને તત્કાલીન ઉદ્યોગ મંત્રી, ગુજરાત સરકાર શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, શ્રી પુનિત લાલભાઈ (અરવિંદ ગ્રુપ), શ્રી રાજેશ માંડવેવાલા (વેલસ્પન ગ્રુપ), શ્રી રાજેન્દ્ર અગ્રવાલ (ડોનિયર ગ્રુપ) અને શ્રી મોહન કાવરીયા (સુપ્રીમ ગ્રુપ) જેવા દિગ્ગજોએ પોતાના મુખ્ય અનુભવો શેર કર્યા હતા.

જ્યારે 2023ની 8 એપ્રિલે દ્વિતીય ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પ્રસંગે 6,000થી વધુ ઉદ્યોગ ગૃહોની પ્રોફાઇલ ધરાવતી ‘ટેક્સટાઇલ ડિજિટલ ડિરેક્ટરી’ નું ક્રાંતિકારી ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. બ્રાન્ડ કસ્તુરી અને ખાદીને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટરેક્ટિવ સત્રો યોજાયા હતા, જેમાં શ્રી કુલીન લાલભાઈ (અરવિંદ લિમિટેડ) અને ડૉ. શરદ સરાફ (ટેક્નોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ) જેવા ક્ષેત્રના અગ્રણીઓએ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

તૃતીય ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ (૧૫ જૂન ૨૦૨૪) મુખ્ય અતિથિ શ્રી હસમુખભાઈ પટેલ (સાંસદ) દ્વારા આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે સત્તાવાર રીતે વ્યાપક “મેમોઇર્સ ઓફ ધી ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ” નું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પટોળા ફેશન શો દ્વારા સાંસ્કૃતિક ગૌરવ અને વ્યવસાયનો અદભુત સમન્વય સાધવામાં આવ્યો હતો, તેમજ AltMat અને Agrobits Green Venture સહિત 4 ગ્રીન સ્ટાર્ટઅપ્સને સીધું પિચિંગ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.

ચતુર્થ ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ (૮ માર્ચ ૨૦૨૫) ટેકનિકલ ટેક્સટાઇલ્સ, કપાસની ઉપજ (Cotton Yield) અને ટેક સ્ટાર્ટઅપ્સના ત્રણ મુખ્ય સ્તંભ પર કેન્દ્રિત આ આવૃત્તિ કેન્દ્રીય બજેટના ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ સાથે સુસંગત હતી, જેનો ઉદ્દેશ્ય કપાસની ઉત્પાદકતાને 461 કિલોગ્રામથી વધારી વૈશ્વિક બેન્ચમાર્ક 850 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સુધી લઈ જવાનો હતો. આ ઇવેન્ટમાં શ્રી યોગેશ કાંતિલાલ કુસુમગાર (સ્થાપક, કુસુમગાર પ્રાઇવેટ લિમિટેડ), શ્રી નીરવ મહેતા (પાર્ટનર, ડીમા પ્રોડક્ટ્સ) અને ડૉ. સુંદરરામન કે. એસ. (MD, શિવા ટેક્સયાર્ન લિમિટેડ) જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ વક્તાઓએ હાજરી આપી હતી.

Exit mobile version