Site icon Revoi.in

ઈઝરાયલી વનસ્પતિ સૃષ્ટિને નષ્ટ કરનાર એલિપ્પો પાઈન – પાઈનસ હેલીપેન્સીસ

The Israeli flora is being destroyed by the Ellippo pine - Pinus helipensis

The Israeli flora is being destroyed by the Ellippo pine - Pinus helipensis

Social Share

— વૈદ્ય પારુલ જોષી

મૂળ ભૂમધ્ય વિસ્તારનું અને ઈઝરાયલી વનસ્પતિ સૃષ્ટિને નષ્ટ કરનાર એલિપ્પો પાઈન – પાઈનસ હેલીપેન્સીસ વૃક્ષ અત્યારે મોરોક્કો, અલ્જેરિયા, ટુનીસીયા, સ્પેઈન, ફ્રાંસ, માલ્ટા, ઈટલી, ક્રોટીયા, મોન્ટેનીગ્રો, અલ્બેનિયા, ગ્રીસ, પોર્ટુગાલ સુધી વિસ્તર્યું. તેને 1990માં પેલેસ્ટાઈનમાં લીલોતરી વધારવાના હેતુથી લાવી, વાવીને ઉછેરવામાં આવ્યું એટલે તેનું એક નામ જેરુસેલમ પાઈન છે.

સાવ ખુલ્લી જમીનમાંથી જોતજોતામાં અતિક્રમણ કરનારી આ વનસ્પતિએ આપણા ગુજરાતમાં વિદેશી બાવળની જેમ આખા દેશ પર ભરડો લીધો છે. આવી વનસ્પતિઓને એ લોકો વીડ્ઝ – નિંદામણ કહે છે અને એમને વધતા, પ્રસાર પામતા રોકવાનાં ઉપાયો કરવા પડે છે. આપણે આવી વનસ્પતિઓ પ્રત્યે બેધ્યાન તો છીએ જ પણ પૈસા ખર્ચીને તેમને લાવી, ઉપદ્રવોને સાથ આપી, સ્વજમીન, આબોહવા અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન કરી, ભાવિપેઢી માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યા છીએ.

પાઈન વૃક્ષનાં મુખ્ય પ્રકારો – એલિપ્પો પાઈન – મૂળ પ્રજાતિ; ટર્કીશ પાઈન; કેનરી આઈલેન્ડ પાઈન; મેરીટાઈમ પાઈન; સ્ટોન પાઈન; કેનરી પાઈન; બૃટીયા પાઈન. એલિપ્પો પાઈન વૃક્ષની પ્રજાતિઓ લીલોતરી વધારવા માટે લાવીને ઉગાડેલી છે.

એલિપ્પો પાઈનનાં લક્ષણો

નાનાથી મધ્યમ કદના આ ઝાડ 82 ફૂટ સુધી ઊંચા વધે છે. થડનો વ્યાસ 24 ઈંચ સુધી વધે છે. થડની છાલ નારંગી-લાલ, ઘટ્ટ, ઊંડા ચીરાવાળી હોય છે. પીળાશ પડતા લીલા પાન, બે – બે ની જોડમાં, સળીઓ જેવા દેખાવનાં, પાતલા, 12 સે.મી. લાંબા, અણીયાળા હોય છે. કાચા ફળ લીલા રંગનાં, કોન આકારનાં, 12 સે. મી. સુધી લાંબા, મૂળમાં બંધ હોય – ત્યારે 3 સે. મી. પહોળા હોય. 24 મહિને પાકે એટલે ચળકતા લાલ-કથ્થઈ રંગનાં થઈ, ધીરે ધીરે ખુલે છે. ગરમીમાં ખાસ કરીને જંગલની આગની સ્થિતિમાં તે ઝડપથી પાકી ફળ ખુલી જતા 5 – 8 સે. મી. પહોળા થતાં 5 – 6 મી. મી. લાંબા, પાંખવાળા બી હવા દ્વારા ફેલાય છે.

આ પણ વાંચોઃ વનસ્પતિ સૃષ્ટિઃ વિશ્વના સહુથી ઝેરી વૃક્ષોમાંનું એક માન્ચીનીલવૃક્ષ

સામાન્ય રીતે નીચાણમાં ઉગતું આ ઝાડ, હજાર મીટરની ઉંચાઈએ પણ દેખાયા છે. એક વાર તેને વાવો, એટલે સ્વત: વસ્તી વધારી, અતિક્રમણ કરવાનો સ્વભાવ હોઈ, તે બધાં પ્રકારની જમીન – અમ્લીય, ક્ષારીય, સીધા સૂર્યપ્રકાશમાં, ગરમ લૂખી આબોહવામાં – ઊગે અને વિકસે છે. પણ એકધારી ગરમી, પાણીનો અભાવ તેનામાં અનેક સંક્રમણોને આકર્ષે છે. તેજ વાયુમાં ટકે છે પણ સમુદ્રી નમકીન હવા તેને માફક નથી. પાણી વગરની જમીન કે વધારે પાણી વાળી જમીન સહન કરે છે. પણ પાણી ભરાયેલા રહે, તે જમીન તેને નથી પસંદ. તેમાં તેના મૂળ સડી જાય છે.

એલિપ્પો પાઈન – કડક લાકડું ધરાવતા, ગરમી સહન કરનારા ઝાડ હોવા છતાં, દુકાળથી પીડાયેલા ઝાડમાં, વાતાવરણનાં ફેરફારો વધારે હોય તો તેને ફુગનું સંક્રમણ અને કીડા દ્વારા નુકસાન થાય છે.

સામાન્ય સમસ્યાઓ, સંક્રમણ લગાવતા કીડાઓ અને તેમનાં ચિહ્નો

ઈપ્સ, બાર્ક બીટલ – ભમરા- છાલમાં લાગે – ચેપનાં લક્ષણો – છાલ પર રેઝીન ટ્યુબ – ઘટ્ટ પ્રવાહીનો સ્રાવ, (માદા ભમરા ઈંડા મૂકવા માટે, ઝાડની છાલમાં કાણું પાડે છે, ત્યારે ઝાડ સ્વબચાવ માટે ઘટ્ટ પ્રવાહી – રેઝીનનો સ્રાવ કરે છે. તે છાલની બહાર નીકળી, નળી જેવા આકારમાં જામી જાય છે. તેને રેઝીન ટ્યુબ કહે) તેનો રંગ સફેદ, કથ્થઈ કે જાંબલી હોય છે.

થડમાં લાકડામાં ઉધઈ, ઘુણ – બીટલ જેવા જીવજંતુ દ્વારા શારકામ કરવાથી કાણાં પાડતા ઉત્પન્ન થતો લાકડાનો ઝીણો ભૂકો – સફેદ ચૂર્ણ આજુબાજુ જોવા મળે છે.

એકસરખો ડાળી-સુકારો – ડાળી સૂકાઈ જાય તેને કાપી, દૂર કરી બાળી લેવી.

એફિડ્સ – મોલો, માવો, લીલો માવો – ખૂબ જ નાના કદના જંતુઓ છે. તેમની સંખ્યા ઝડપથી વધે છે. છોડનો માવો – રસ ચૂસીને ખોરાક મેળવે પછી ચીકણો સ્રાવ કાઢે જે આસપાસથી સ્રવે અને તેના પર કાળો બ્લેક સૂટી મોલ્ડ – એક પ્રકારની ફૂગ, છોડના પાંદડા, ડાળીઓ અને ફળો પર કાળા રંગના પાવડર કે કાજળ જેવી ચાદર સ્વરૂપે ઉગે છે. ગુજરાતીમાં તેને ‘કાળી ફૂગ’ અથવા ‘સૂટી મોલ્ડ’ કહેવાય છે – છોડને નુકસાન પહોંચાડે છે.

પાન પર સ્પાઈડર માઈટ જીવનો ચેપ લાગતા, તે પીળા કે કાંસા વર્ણનાં થઈ જાય છે.

બોનસાઈ માટે એલિપ્પો પાઈન ઉછેરાય છે. તેની દેખભાળમાં સમયસર વ્યવસ્થિત પાણી પાવું. સૂકા, સંક્રમિત પાન કાપવા. સંક્રમણ જણાય તો નિમ્બ – લિંબોળીનું તેલ, તે તે સ્થળે લગાવવું. તેના પાન ઝડી જઈ ઝાડની આસપાસ ઢગલા જોવા મળે, તો જમીન અમ્લિય જાણવી. પાનમાં રેઝીન તત્વ વધારે હોઈ, તે જલ્દી સડી ગલી નથી જતા. એટલે પાઈન વૃક્ષ વધારે હોય, ત્યાં ઉનાળામાં આગ લાગવાની શક્યતા રહે છે. તેવા ઝાડને ફૂલ ફળ નહિં બેસે. ગાયના છાણની ખાતર માવજત કરવી. ઝાડ નજીક ઉગી પોતાના પાનની ઘટા બનાવે, તો જમીન પર સૂર્યકિરણો ન પહોંચવાથી સ્થાનિક વિવિધ સંક્રમણો વધે છે. સ્થાનિક વનસ્પતિઓને ઉગવા નથી દેતા. સરવાળે આજે 30થી વધારે વર્ષો પછી, ઈઝરાઈલ તેમને દૂર કરી, પોતાના દેશની મૂળ વનસ્પતિઓ વાવી રહ્યા છે.

આવા અખતરા આપણને અત્યારે અને હવે પોષાય તેમ નથી.

આપણે આપણી જમીનને ઘણું નુકસાન કરી બેઠા છીએ એટલે યુદ્ધ સમારકો હોય કે હોટલો, લેન્ડસ્કેપ માટે બોરસલી, અશોક, કદમ્બ, વડ, પારિજાતને વાવીશું જેના પાન પાન, ડાળી ડાળી ઉપકારક અને ખાસ તો ભારતીય છે.

આ લેખ તમને કેવો લાગ્યો, અમને ઈમેલ દ્વારા જણાવોeditor@revoi.in

Exit mobile version