વનસ્પતિ સૃષ્ટિઃ વિશ્વના સહુથી ઝેરી વૃક્ષોમાંનું એક માન્ચીનીલવૃક્ષ
– વૈદ્ય પારુલ જોષી
હીપ્પોમાને માન્સનેલ્લા, બીચ (સમુદ્ર કિનારો) એપલ, ડ્વાર્ફ (ઠિંગણો)એપલ ટ્રી તરીકે જાણીતા આ વૃક્ષને સ્પેનિશમાં માન્ઝાનીલ્લા દ લા મૌરટે – લીટલ એપલ ઓફ ડેથ, કહે છે. પ્લાન્ટ – વનસ્પતિ, પરિવાર – યુફોર્બીએસી, પ્રજાતિ – હિપ્પોમાને. તે મૂળ કેરેબીયન ટાપુઓ, વેસ્ટ ઈન્ડીઝ, મધ્ય અમેરિકાથી શરૂ કરી દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગ સુધી, ખાસ કરીને ફ્લોરિડા, મેક્સિકોનું વતની છે.
ખાસિયત
50 ફૂટ સુધી ઊંચુ વધતું આ અતિસુંદર, આકર્ષક વૃક્ષ, દરિયા કિનારે તથા મેનગ્રોવ સાથે પોચીયા જમીનમાં સરળતાથી ઉગે છે. પવનને રોકવામાં ઉત્તમ છે. તેના ઊંડા ઉગતા મૂળ જમીનનું ધોવાણ અટકાવે એટલે દરિયાકાંઠાની રેતી ધોવાવા નથી દેતા. તેની બહારની છાલ રતાશ પડતા રાખોડી રંગની છે. તેનાં પાન એકાંતરે ઉગતા, સાદા, સ્હેજ પીપળનાં પાન જેવા દેખાવના, ચળકતા લીલા રંગનાં છે. તેના પાનની કિનાર ક્યારેક દંતુરીત એટલે દાંતાકારની હોય છે. તેના ફૂલ નાનાં, લીલાશ પડતા પીળા છે. આ વૃક્ષના ફૂલની સુગંધ લેવા માત્રથી મૃત્યુ થયાનું નોંધાયું છે.
ફળ નાની ડાંડી પર, એક એક જ લાગે છે. આમળા કે એપલ જેવા દેખાતા ફળ કાચા હોય ત્યારે લીલા અને પાકે પછી પીળાશ પડતા, મીઠી મનભાવન સુગંધવવાળા થાય છે. આજની સ્થિતિમાં અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આ વૃક્ષોની સંખ્યા નષ્ટ થવામાં હોઈ, તેને એન્ડેન્જર્ડ સ્પીસીસમાં મૂક્યા છે.
નિકોલસ ક્રેસવેલ પોતાના 16 સપ્ટેમ્બર 1774ના પ્રવાસ લેખમાં લખે છે કે મેંગેનીલ એપલની સુગંધ અને દેખાવ અંગ્રેજ એપલ જેવા પણ આકારમાં નાનાં હોય છે. તેમના ઝાડ તોતિંગ અને સામાન્ય રીતે દરિયા કાંઠે મળે છે. ફળ એટલા ઝેરી છે કે એક ફળ વીસ લોકોને મારવા સક્ષમ છે. ફળ હોય કે લાકડું રોજિંદા જિવન માટે નકામા છે. પાનને બીડી કે સીગરેટમાં ભેળવી માણસને માર્યાના દાખલા છે.

સૌથી ઝેરી વૃક્ષ તરીકે ગીનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
તેની એક પ્રજાતિ માન્સીનેલ્લા વેનેનાટા ટુસ્સાક છે. આ ઝાડ 2011ના ગીનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી ઝેરી વૃક્ષ તરીકે સ્થાન પ્રાપ્ત છે. તેના થડની વચ્ચેનો માવો, ઝાડના દરેક ભાગમાંથી પાન, છાલ, ફળ, થડમાંથી ઝરતો સફેદ રસ- દૂધમાં – સેપ કે લેટેક્સમાં કોસ્ટિક જેવા ગુણો ધરાવતા ફોરબોલ રસાયન જેવાં અનેક ત્વચાને ઉત્તેજનારા રસાયણો છે જે ત્વચા ઉપર દાહક અસર ઉપજાવવા સાથે એલર્જિક ડર્મેટાઈટીસ જે ઝડપથી વધવા અને ઉપદ્રવકારી પ્રકારનો હોય છે. કો કાર્સિનોજન કે ક્રિપ્ટો કાર્સિનોજન એવા અનેક ઝેરો હોઈ તે ચામડી કે શ્લેશ્મકલા કે આંખની કન્જન્ક્ટાઈવાના સંપર્કમાં આવે, તો બળતરા, સ્થાનિક સોજો આવે અને ફોલ્લા ઊઠે છે. તેના રસવાળા હાથ આંખને અડે, તો થોડા સમય કે દિવસો માટે અંધાપો આવે છે. એક્યુટ કીરેટોકન્જક્ટીવાઈટીસ – Keratoconjunctivitis, ડોળાના મહત્ત્વના ભાગ કોર્નિયામાં મોટી એપીથેલીયલ ખામી ઉત્પન્ન કરે છે.
સંપર્કમાં આવવાથી થતી જોખમી અસરો
આ ઝાડ, ઝાડનું લાકડું, લાકડાનો ભૂકો કે વહેરને બાળવાથી ઉત્પન્ન થતા ધૂમાડાનો ચામડી, આંખ કે નાક સાથે સંપર્ક થાય તો એલર્જી જેવાં લક્ષણો કરે છે. ધીમા અનિયમિત હૃદયના ધબકારા – bradyarrhythmias, Manchineel poisoning, આંખો બળવી – Ocular burns, આમાશય અને આંતરડાં તથા ગળું અને શ્વાસનળીમાં તકલીફો કે રોગો થવા – Gastrointestinal and oropharyngeal disturbances, હૃદયની ગતિ ઘટવી – bradycardia, રક્તચાપ ઘટવું – hypotension વધારે પ્રમાણમાં સેવન કરનારને રક્તપરિભ્રમણમાં અવરોધો અને મુખ શ્વાસપથમાં વ્રણ બને છે પણ ત્યાંના મૂળનિવાસીઓ વૃક્ષનાં અંગોનો સાર હાથીપગાને મટાડવા માટે વાપરે છે. છતાં કેરેબીયનો આ ઝાડના લાકડામાંથી બનેલા ફર્નિચર સદીઓથી વાપરી રહ્યા છે. તેઓ ઝાડને કાપતા પહેલાં તેના મૂળ ભાગને આગથી બાળે તો ઝાડ ઝેર મુક્ત બનવાનું મનાય છે. ઝાડને વહેરતાં જે ભૂસું તૈયાર થાય તેને સીધા તડકામાં સુકવતા તે ઝેરી નથી રહેતું. પણ લીલાથી તો સાવધ રહેવું જરૂરી માત્ર નહિ અતિ આવશ્યક છે.
સ્વાદિષ્ટ લાગતું ફળ ખાવામાં પણ જોખમ
પાકાં ફળ ખાનારાઓ તેને શરૂઆતમાં ભાવે તેવું ગળ્યું બતાવે છે. પછી મરી ખાવા જેવો અનુભવ થાય છે અને બળવાની લાગણી સાથે અંદરના ભાગમાં બધું ચીરાતું હોય એવા અનુભવ સાથે ગળું બંધ થવાનું અનુભવાય છે તે એટલે સુધી કે વ્યક્તિ મોં દ્વારા કશું ખાઈ – પી ન શકે – તેને તીવ્ર પીડા સાથે ગળાના સ્વરયંત્ર ભાગમાં મોટી ગાંઠ થઈ હોય એવો અનુભવ થાય છે. ગળાની લસિકાગ્રંથીઓ ફુલી જાય છે. આ ફળ ખાધા પછી પણ દૈવયોગે જીવતા રહેલા લોકો આ મૃત્યુવત્ પીડા આજિવન નથી ભૂલી શકતા. અત્યંત ઝેરી છે. ખાવામાં આવે તો મૃત્યુકર છે એવું સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે પણ વિજ્ઞાનીઓને રક્તસ્રાવી ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ, શોક, બેક્ટેરિયાનું તીવ્ર સંક્રમણ તથા સોજાને લીધે શ્વાસમાર્ગ રુંધાવા જેવાં લક્ષણો મળ્યા છે. તેમાં પણ ધ્યાન ન રાખવામાં આવે તો મૃત્યુની સંભાવના છે તે આપણે યાદ રાખવાનું છે.
બીજમાં એમિગ્ડેલિન હોઈ ઝેરી અસરો ઉપજાવે છે.
ઝાડ ઉપર થઈ વરસાદી પાણી કે ઝાકળ ચામડી પર પડે, તો ચામડી સુજી જાય – ડર્મેટાઈટીસ, સ્કીન બ્લીસ્ટર્સ એટલે દાઝ્યા જેવા ફોલ્લા ઊઠે, બુલસ ડર્મેટાઈટીસ થાય છે.
તે આંખને અડે તો આંખમાં સોજો – ઓપ્થેલ્માઈટીસ થાય છે. તેની કોઈ વિશેષ સારવાર હજી નથી શોધાઈ. પણ સ્થાનિકો આરારૂટ મારાન્ટા અરુંડીનેસીની પોલ્ટીસ બનાવી લગાવે છે.
લગભગ લક્ષણો થોડા દિવસોમાં દૂર થતાં જોવા મળે છે.
આ કારણે તેની નીચે ન સૂવા કે ટેન્ટ ખોડીને રોકાવા કે તેના કોઈ અંગને ન કાપવાની સૂચના સતત અપાતી રહે છે. ફ્રાંસમાં આ ઝાડ ઉપર મોટી લાલ ચોકડી લગાવવામાં આવે છે.
કેરેબીયનો દુશ્મનના જલસ્રોતમમાં આ ઝાડનાં પાન નાંખી તેને ઝેરી બનાવતા.
સંપર્કમાં આવે તો તેનું ફળની મીઠી સુગંધમાં લલચાય છે. તે ફક્ત માણસો માટે નહિ પણ દરેક પશુ, પક્ષી, જીવ માટે આ ઝાડ ઘાતક છે. માત્ર બ્લેકસ્પાઈન્ડ ઈગુઆના કે ટેનોસોરા સીમીલીસ પક્ષી એના ઉપર જ રહે અને તેના ફળ ખાઈને જીવે છે.
તેના પાનમાં 12-ડીઓક્સી, 5-હાઈડ્રોક્સીફોરબોલ, 6-ગામા, 7-આલ્ફા ઓક્સાઈડ, હીપ્પોમેનીન્સ, માન્સીનેલ્લીન, સેપોજેનિન રસાયણો રહેલા છે. તેમાં આવેલું ટિગ્લીયન ફોરબોલ એસ્ટર રસાયણ કદાચ તેનું કાર્યકારી તત્વ છે. એટલે કેરેબિયન ટાપુઓ પર ફરવા જાઓ ત્યારે આ ઝાડને ઓળખી લઈને તેનાથી નવ ગજનું અંતર રાખવું. પણ આટલા સુંદર ભારતવર્ષના વિવિધ પાસાઓ એક જીવનમાં જોઈ શકીયે તો પણ ધન્યભાગ્ય, એ છોડીને પારકા – અજાણ્યા પ્રદેશમાં, વધારે પૈસા, અગવડ ભોગવવા, શું કામ જવું.
ઝાડને કે તેના કોઈ અંગને બાળવાથી ઉત્પન્ન થતો ધૂમાડો આંખના સંપર્કમાં આવતા થોડા સમય માટે અંધાપો આવે છે.
ગુગલ સ્કોલર અને પબમેડ પર તેના વિશે અઢળક શોધપત્રો પ્રાપ્ત છે. સાર આપણે જોયો.


