રાજકોટ, 19 સપ્ટેમ્બર, 2026 : Adulterated ghee worth Rs 2.83 lakh seized શહેરમાં ડેરી પ્રોડક્સમાં વધુ ભેળસેળ થતી હોવાથી પોલીસની એસઓજીના અધિકારીઓએ આરએમસીના ફુડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને કેવડાવાડી મેઈન રોડ પર આવેલા ‘વોલ્ગા ઘી ડેપો’માં તેમજ અનેય વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનો પર સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શુદ્ધ ઘીમાં તેલ અને વનસ્પતિ મિક્સ કરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેવડાવાડી સ્થિત ‘વોલ્ગા ઘી ડેપો’ પર દરોડો પાડી ભેળસેળયુક્ત ઘીના 6 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ₹2.83 લાખથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ સીઝ કરાયો હતો. આ ઉપરાંત ગણેશોત્સવને અનુલક્ષીને શહેરભરમાંથી મોદક, માવા અને ડેરી પ્રોડક્ટ્સ સહિત કુલ 37 જેટલા નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
રાજકોટ શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અને મ્યુનિના ફૂડ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના કેવડાવાડી મેઈન રોડ પર આવેલા ‘વોલ્ગા ઘી ડેપો’માં સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને મિલ્ક ફેટનું મિશ્રણ કરી બનાવટી ઘી તૈયાર કરાઈ રહ્યું છે. આથી દરોડા પાડવામાંઆવ્યા હતા. દરોડા દરમિયાન હોમમેડ કાઉ ઘી, ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી, કામધેનુ પ્રીમિયમ ઘી અને લુઝ ઘી મળી કુલ 6 સેમ્પલ જપ્ત કરાયા હતા. સ્થળ પરથી ₹2,83,879 ની કિંમતનો શંકાસ્પદ જથ્થો, વનસ્પતિ ઘીના ડબ્બા, બનાવટી બ્રાન્ડિંગ સ્ટીકરો તેમજ પેકિંગ મશીનરી સહિતનો સામાન કબજે લેવાયો હતો.
આ ઉપરાત એસઓજી અને ફુડ વિભાગના સ્ટાફે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુરુકૃપા સ્વીટ્સ, ગજાનંદ સોનપાપડી, શ્યામ ડેરી, રસધારા સ્વીટ્સ, શિવશક્તિ ગૃહઉદ્યોગ અને કૃપાનિધિ સહિતની પેઢીઓમાંથી મોતીચૂર લાડુ, ગુલકંદ મોદક, ચોકલેટ મોદક અને સોનપાપડીના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત મેઘમિલન ડેરી, શ્રી તિરુપતિ ડેરી, માટેલ સ્વીટ્સ અને જય યોગેશ્વર ડેરીમાંથી મીઠા માવાના સેમ્પલ લઈને ગુણવત્તા ચકાસણી માટે મોકલાયા હતા.


