Homeગુજરાતીગુજરાતવોટ્સએપ પર આવેલા આમંત્રણની ફાઈલ ખોલતા જ બેન્કમાંથી 10 લાખ ઉપડી ગયા

વોટ્સએપ પર આવેલા આમંત્રણની ફાઈલ ખોલતા જ બેન્કમાંથી 10 લાખ ઉપડી ગયા

વડોદરા, 19 સપ્ટેમ્બર, 2026 : 10 lakhs withdrawn from bank account after opening APK file સાયબર માફિયાઓ વોટ્સએપ પર એપીકે ફાઈલ મોકલીને લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. શહેરના એક સિનિયર સિટિઝનના મોબાઈલ ફોનના વોટ્સએપ પર કોઈ અજાણ્યા નંબર પરથી ફેક લગ્નની આમંત્રણ પત્રિકા આવી હતી. લગ્ન પત્રિકા કોને મોકલી છે. તે જાણવા માટે સિનિયર સિટિઝને લગ્ન પત્રિકા ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે સિનિયર સિટિઝનનો મોબાઈલ ફોન હેન્ગ થઈ ગયો હતો. અને  સિનિયર સિટિઝનના બેન્ક ખાતામાંથી 10.61 લાખ ઉપડી ગયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના અકોટા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સાયબર ક્રાઈમ ફ્રોડનો ભોગ બન્યા છે. સિનિયર સિટિઝનના વોટ્સએપ નંબર પર અગાઉ અજાણ્યા નંબર પરથી લગ્નનું આમંત્રણ આપતો મેસેજ આવ્યો હતો. મેસેજ સાથે લગ્નની આમંત્રણ પત્રિકાની APK ફાઇલ મોકલવામાં આવી હતી. લગ્નનું આમંત્રણ હોવાનું માની સિનિયર સિટિઝન એવા રમેશભાઈએ APK ફાઇલ મોબાઈલમાં ઓપન કરી હતી. ફાઇલ ઓપન કર્યા બાદ શંકા જતા તેમણે બીજા દિવસે બેંક ખાતાઓ ચેક કર્યા હતા. તે સમયે કોઈ ફ્રોડ ટ્રાન્જેક્શન ન જણાતા તેમણે APK ફાઇલ અને મેસેજ ડિલીટ કરી દીધા હતા. જોકે, બાદમાં તા.12 સપ્ટેમ્બરની રાત્રે તેમના મોબાઈલ પર બેંક તથા વિવિધ સેવાઓના OTP અને વેરિફિકેશન કોડના મેસેજ આવવા લાગ્યા હતા. આ દરમિયાન તેમના બે બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા 10.61 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં સિનિયર સિટીઝને બંને બેંકોમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન બંધ કરાવ્યું હતું. તેમણે સાયબર ઠગો વિરુદ્ધ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular