ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2026 : Increasing burden of other work on teachers સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો પર બિન શૈક્ષણિક કામગીરીનું ભારણ વધતું જાય છે. અને શિક્ષકો અન્ય કામગીરીને લીધે વિદ્યાર્થીઓને ભણાવવા માટે ધ્યાન આપી શક્તા નથી. ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી રાહત આપવા માંગ કરી છે.
રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકો પર વધતી ઓનલાઈન તથા બિન-શૈક્ષણિક કામગીરીનો મુદ્દો હવે માત્ર પ્રાથમિક શિક્ષણ પૂરતો સીમિત રહ્યો નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને પણ વિવિધ પ્રકારની ઓનલાઈન, ડેટા એન્ટ્રી અને વહીવટી કામગીરી સોંપવામાં આવી રહી છે. આ અંગે ફરિયાદો ઉઠતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ શિક્ષકોને ઓનલાઈન, ટેક-એન્ટ્રી, સર્વે તથા વિવિધ બિન-શૈક્ષણિક કામગીરીમાં સતત જોડવામાં આવે છે. પરિણામે શિક્ષકોનો કિંમતી સમય વિદ્યાર્થીઓના શિક્ષણ અને વ્યક્તિગત માર્ગદર્શનને બદલે ડેટા અને પોર્ટલ આધારિત કામગીરીમાં વપરાઈ રહ્યો છે. મહાસંઘનો પ્રશ્ન છે કે એક જ શિક્ષક પાસેથી આટલી બધી ઓનલાઈન અને વહીવટી કામગીરી કરાવવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે જરૂરી સમય કેટલો બચે છે?
મહાસંઘે Excel Sheetના આધારે કરાયેલા અભ્યાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ધોરણ 1થી 8ની 300 વિદ્યાર્થીઓ, 8 શિક્ષકો અને 1 મુખ્ય શિક્ષક ધરાવતી શાળામાં વિવિધ ઓનલાઈન અને બિન-શૈક્ષણિક કામગીરી પાછળ 1,00,740 મિનિટ એટલે કે 1,679 કલાક, આશરે 210 આઠ કલાકના કાર્યદિવસ જેટલો સમય વપરાય છે. આ આંકડા માત્ર કાગળ પરનો સમય નથી, પરંતુ આ કામગીરીના કારણે શિક્ષકોને વિદ્યાર્થીઓના ભણતર, તેમની વ્યક્તિગત જરૂરિયાતો, વાંચન-લેખન, પાયાની ક્ષમતાઓ તથા વ્યક્તિગત માર્ગદર્શન માટે પૂરતો સમય મળતો નથી.
મહાસંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે ડિજિટલ વ્યવસ્થાનો વિરોધ નથી, પરંતુ ટેક્નોલોજીનો યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવી શકાય છે. જોકે ડિજિટલ વ્યવસ્થા તૈયાર કરતી વખતે શિક્ષકોનો વહીવટી સમય ઘટે અને વિદ્યાર્થીઓ માટેનો શૈક્ષણિક સમય વધે તે બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ. શિક્ષક ડેટા એન્ટ્રી ઓપરેટર નહીં, પરંતુ રાષ્ટ્રનું ભવિષ્ય નિર્માણ કરનાર શિક્ષક છે.’ શિક્ષકો પાસેથી ઓનલાઈન પોર્ટલ, માહિતી અપલોડ, વિવિધ રેકોર્ડ, સર્વે અને અન્ય વહીવટી કામગીરી કરાવવાને બદલે આ માટે અલગ સહાયક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી રજૂઆત છે.


